કોઝિકોડ વિમાન દુર્ઘટના: કો-પાયલટના બે વર્ષ પહેલાં થયા હતા લગ્ન

08 August, 2020 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોઝિકોડ વિમાન દુર્ઘટના: કો-પાયલટના બે વર્ષ પહેલાં થયા હતા લગ્ન

અખિલેશ શર્મા

કોઝિકોડ પ્લેન દુર્ઘટનામાં એર ઇન્ડિયાના એક્સપ્રેસના પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે અને કો-પાયલટ અખિલેશ કુમારે જીવ ગુમાવ્યો છે. કો-પાયલટ અખિલેશ શર્માના પરિવારની જાણે ખુશીઓ છીનવાઈ ગઈ છે. અખિલેશના મૃત્યુના સમાચારથી પરિવારમાં માતમ ફેલાઈ ગયો છે. પરિવાર વિશ્વાસ નથી કરી શકતો કે હવે અખિલેશ શર્મા આ દુનિયામાં નથી. આવનારા દિવસોમાં અખિલેશના ઘરે પારણું બંધાવવાનું હતું. પણ હવે એ બાળકના માથે પિતાની છત્રછાયા જ નથી રહી.

કો-પાયલટ અખિલેશ શર્માની ઉંમર માત્ર 32 વર્ષની જ હતી. શર્માનો પરિવાર મથુરાના ગોવિંદ નગરમાં રહે છે. અખિલેશનો પરિવાર મૂળ પોલીસ સ્ટેશન હાઈવે ક્ષેત્રના મોહનપુર ગામનો રહેવાસી છે. થોડા વર્ષોથી પિતા તુલસીરામ શર્મા સહિત પરિવાર મથુરામાં ગોવિંદ નગરના સેક્ટર Aમાં રહે છે. મોતના સમાચાર મળતા જ પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છે. પરિવારને શુક્રવારે રાતે લગભગ 10.30 વાગ્યે ઘટનાની જાણ થઈ હતી. અખિલેશના નાના ભાઈ રાહુલ અને બનેવી કોઝિકોડ પહોંચ્યા છે. પિતા તુલસીરામે જણાવ્યું કે, 2017માં અખિલેશ એર ઈન્ડિયામાં કો-પાયલટ તરીકે જોડાયા હતા. તે લોકડાઉન પછી ઘરે પણ નહોતા આવ્યા.

અખિલેશ શર્માના લગ્ન સમયની તસવીર

બે વર્ષ પહેલાં અખિલેશ શર્માના ધૌલપુરની મેઘા સાથે લગ્ન થયા હતાં. હાલ તેમનાં પત્ની ગર્ભવતી છે. અખિલેશના પરિવારમાં બે ભાઈ, એક બહેન, પત્ની મેઘા અને માતાપિતા છે. અખિલેશની બહેનના લગ્ન થઈ ગયા છે. અખિલેશના બે ભાઈ રાહુલ અને રોહિત બન્ને ઉંમરમાં નાના છે. રાહુલ પાણીનો વેપાર કરે છે, જ્યારે રોહિત ભણે છે.

શુક્રવાર સાંજે વંદેભારત મિશન હેઠળ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દુબઈથી કોઝિકોડ પહોંચી હતી. લેન્ડિગ દરમિયાન તે રનવેથી લપસીને 35 ફુટ ઊંડી ખાઈમાં જઈ પડી હતી. આ વિમાનમાં 180 યાત્રી અને 6 ક્રુ મેમ્બર હતા. બન્ને પાયલટ સહિત 18 લોકોના મોત થયા છે. 149 લોકો ઘાયલ થયા છે. 22 લોકોને સામાન્ય ઈજા થઈ છે, જેમને સારવાર બાદ રજા આપી દેવાઈ છે.

kerala air india