વૉટ્સઍપ પર ગાયક કીર્તિદાન ગઢવીના મોતની અફવા ફેલાઈ

18 November, 2014 03:24 AM IST  | 

વૉટ્સઍપ પર ગાયક કીર્તિદાન ગઢવીના મોતની અફવા ફેલાઈ




રશ્મિન શાહ

ગુજરાત અને મુંબઈમાં જાણીતા લોકગાયક અને પોતાના ઘેરા-મધુરા અવાજથી યુવા પેઢીને ઘેલું લગાડનારા લાડીલા ગાયક કીર્તિદાન ગઢવીનું હાર્ટ-અટૅકથી મોત થયું હોવાનો મેસેજ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વૉટ્સઍપ પર ફરતો થતાં સાહિત્યરસિકોમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જોકે આવા મેસેજિસ અફવા-બહાદુરોનું કારસ્તાન હતું અને કીર્તિદાન ક્ષેમકુશળ હોવાથી સૌએ નિરાંતનો શ્વાસ લીધો હતો.

આવા મેસેજિસ વાંચીને લોકો એકબીજાને ફૉર્વર્ડ પણ કરતા હતા એથી સૌરાષ્ટ્રમાં તો અફવાએ આગનું સ્વરૂપ પકડી લીધું હતું. કીર્તિદાનને ઓળખતા કેટલાય ચાહકો તેમના ઘરે અને મોબાઇલ ફોન પર કૉલ કરીને તેમના ખબરઅંતર જાણવા લાગ્યા હતા. સતત આવતા ફોનકૉલ્સના જવાબ આપીને કંટાળેલા ગઢવીએ સાંજે પોતાનો ફોન બંધ કરી દીધા બાદ ફોનકૉલ્સના કોઈ પ્રત્યુત્તર ન મળતાં અસંખ્ય ચાહકો રાજકોટમાં જામનગર રોડ પર કીર્તિદાન ગઢવીના ઘરે પહોંચી ગયા હતા. લગભગ ૫૦૦થી વધુ ફોનકૉલ્સ મળ્યા હોવાનું કીર્તિદાને જણાવ્યું હતું.       

નાની ઉંમરથી જ ડાયરા અને નવરાત્રિમાં રંગ જમાવતા આ કલાકારને એક ગુજરાતી ટીવી-ચૅનલ પર ‘લોકગાયક ગુજરાત’ નામના સ્પર્ધાત્મક શોના ઍન્કર તરીકે મોટી નામના મળી હતી અને પછી તેમણે સતત સફળતા મેળવી છે. આજે ડાયરા અને મુંબઈમાં નવરાત્રિના શોમાં પણ કીર્તિદાન ગઢવી જાણીતું નામ છે. ખાસ કરીને મુંબઈની યુવા પેઢીને કીર્તિદાને જૂનાં બળૂકાં ગુજરાતી ગીતો અને પોતાના ઘેરા અને કસુંબલ અવાજથી નવરાત્રિમાં નાચતી કરી છે.

‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કીર્તિદાને કહ્યું હતું કે ‘આવી ટીખળ બહુ ખરાબ કહેવાય. આ પહેલાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને જાણીતા ટીવી-પ્રોડ્યુસર-ઍક્ટર જમનાદાસ મજીઠિયા વિશે પણ આવી અફવાઓ ફેલાઈ ચૂકી છે. આવી અફવાઓ અને ધડમાથા વિનાના મેસેજિસને કારણે કોઈ કલાકારના પરિવારજનો, સગાંસંબંધીઓ અને ચાહકોમાં પૅનિક ફેલાય છે. આવી અફવાઓને કારણે ક્યારેક નબળા હૃદયના કોઈક કુટુંબી મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. હાથ જોડીને આવી અફવાઓ ફેલાવતા લોકોને વિનંતી કરવા માગું છું કે આવું ન કરો.’

આવા મેસેજિસ મળે એટલે કંઈ પણ જાણ્યા વગર પોતાના સર્કલમાં ફૉર્વર્ડ કરનારાઓને વિનંતી કરતાં કીર્તિદાને કહ્યું હતું કે ‘આપણે સાચી વાત જાણ્યા વગર આવી અફવાઓને હવા આપવાથી બચવું જોઈએ. ક્યારેય આવી કોઈ વાત આવે તો ખાતરી થાય પછી જ એને ફૉર્વર્ડ કરીએ તો કારણ વગર ગમે તેને પજવતા અફવા ફેલાવનારાઓને સાચો પાઠ ભણાવી શકાય. બધાને માતાજી સદ્બુદ્ધિ આપે. બીજું શું કહું?’