ખંભાતના અખાતમાંથી મોટા પ્રમાણમાં ઑઇલનો જથ્થો મળ્યો

27 October, 2014 05:51 AM IST  | 

ખંભાતના અખાતમાંથી મોટા પ્રમાણમાં ઑઇલનો જથ્થો મળ્યો


ગુજરાતના કેમ્બે બેસિનના એક બ્લૉકમાં નવી દિલ્હીની એક કંપનીએ કરેલા સૌપ્રથમ ડ્રિલિંગમાં જ ઑઇલનો જથ્થો મળ્યો હતો. આ કંપનીએ ગયા વર્ષના જુલાઈ મહિનાથી બે કૂવા ડ્રિલ કર્યા છે અને એ બન્નેમાંથી મોટા પ્રમાણમાં ઑઇલનો જથ્થો મળી આવ્યો છે.

ડિરેક્ટર જનરલ ઑફ હાઇડ્રોકાર્બન્સ અને સરકારે નોટિફાય કરેલા ખારેન્તી-એ કૂવામાંથી આ ઑઇલ મળી આવ્યું હતું. ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશને પાદરા ફીલ્ડમાં તેમ જ ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ કંપનીએ ઇંગોલી ફીલ્ડમાં જે ઑઇલનું ઉત્પાદન કર્યું છે એના જેટલો જ મોટો જથ્થો આ ડિસ્ક્વરીમાં મળી આવ્યો છે.

કેમ્બે બેસિન દક્ષિણમાં સુરતથી ઉત્તરમાં સાંચોર સુધીના ૫૯,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ બેસિનમાં ૧૫ અબજ બેરલ્સથી પણ વધારે હાઇડ્રોકાર્બન્સનો જથ્થો હોવાનો અંદાજ છે. આ બેસિનમાં અગાઉ થયેલી ઘણી ડિસ્ક્વરીમાં પણ ઑઇલનો જથ્થો મળી આવ્યો છે. એ પૈકીના મોટા ભાગનામાંથી ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન ઉત્પાદન કરે છે. ઑસ્ટ્રેલિયાની એક કંપનીને પણ અહીંથી તાજેતરમાં ટાઇટ ઑઇલનો જથ્થો મળી આવ્યો હતો.