બાપા આવ્યા પણ બૅટ ગયું

23 December, 2012 04:52 AM IST  | 

બાપા આવ્યા પણ બૅટ ગયું



ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં ગુજરાતની ૧૮૨ બેઠકમાંથી ૧૭૯ બેઠક પર ઇલેક્શન લડનારી જીપીપીના અસ્તિત્વ પર યક્ષપ્રશ્ન છે ત્યાં જ એવા સમાચાર આવ્યા છે કે આવતા કોઈ પણ ઇલેક્શનમાં કેશુભાઈ પટેલ પોતાની પાર્ટીના સિમ્બૉલ તરીકે હવે બૅટ નહીં વાપરી શકે. ઇલેક્શન કમિશનના નિયમ મુજબ નવી પાર્ટી જો નિશ્ચિત બેઠક પર છ ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય તો એ પાર્ટીના બધા ઉમેદવારોને એક સિમ્બૉલ વાપરવાની પરમિશન રદ કરવામાં આવે એટલું જ નહીં, પાર્ટીએ સોએ એક બેઠક પણ મિનિમમ જીતવી પડે. આ નિયમ અનુસાર બૅટનું સિમ્બૉલ જાળવી રાખવા માટે ગુજરાતમાં રહેલી ૧૮૨ બેઠક માટે કેશુભાઈ પટેલે મિનિમમ બે બેઠક અને છ ટકા મત મેળવવા જરૂરી હતું.

કેશુભાઈ પટેલની જીપીપીને બે બેઠક મળતાં એક નિયમ તો પૂરો થયો હતો, પણ છ ટકા મત મેળવવાના બીજા નિયમની પુષ્ટિ ગઈ કાલે ઇલેક્શન કમિશને કરી કે જીપીપીને જરૂરી એવા છ ટકા એટલે કે કુલ મત ૧૬,૨૯,૫૧૭ને બદલે માત્ર ૩.૫૯ ટકા એટલે કે ૯,૪૭,૬૫૪ મત જ મળ્યાં છે. આ જ કારણે હવે જો જીપીપીનું અસ્તિત્વ રહેશે તો પણ હવે પાર્ટી પોતાના સિમ્બૉલ તરીકે બૅટનો ઉપયોગ નહીં કરી શકે. બધા ઉમેદવારોને એક બૅટના સિમ્બૉલને બદલે હવે ઇલેક્શન કમિશન અલગ-અલગ સિમ્બૉલ આપશે અને એ અલગ-અલગ સિમ્બૉલ સાથે લડવાનું રહેશે.

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી