કેશુભાઈ કરશે નવી પાર્ટીની જાહેરાત

05 August, 2012 03:26 AM IST  | 

કેશુભાઈ કરશે નવી પાર્ટીની જાહેરાત

કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાએ ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે બીજેપીના સામાન્ય સભ્યપદેથી ઑફિશ્યલી રાજીનામું આપી દીધું હતું, જેની જાહેરાત ગઈ કાલે બપોરે ૪ વાગ્યે ગાધીનગરના બંગલે પ્રેસ-કૉન્ફરન્સ રાખીને કરવામાં આવી હતી. આ અગાઉ કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાએ પોતાનું સક્રિય સભ્યપદ રિન્યુ નહોતું કરાવ્યું. જોકે તેમનું સામાન્ય સભ્યપદ હજી સુધી ચાલુ હતું જે ગઈ કાલે ૧૧ વાગ્યે પૂÊરું થયું હતું. કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભૂતકાળને ભૂલીને આગળ વધતા રહેવાનું હોય એ વાતને સહમતી આપીને મેં આ નિર્ણય લીધો છે. મારો અને પક્ષનો સંબંધ મા-દીકરા જેવો હતો. હવે એ પક્ષને છોડતાં દુ:ખ થાય છે પણ અત્યારે તો આખો પક્ષ બદલાઈ ગયો છે. હવે અહીં વ્યક્તિપૂજા થાય છે. લોકો રાશન માગે છે ત્યારે આ પક્ષનો મુખ્ય પ્રધાન પ્રવચનની ભેટ આપે છે.’

ગડકરીને લખ્યો પત્ર

પક્ષમાંથી રાજીનામું આપતાં પહેલાં કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાએ બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીને એક પત્ર લખ્યો હતો. આ પત્ર કાશીરામ રાણાએ પ્રેસ-કૉન્ફરન્સમાં રિલીઝ કર્યો હતો, પણ કેશુભાઈએ પત્ર જાહેર કરવાનું ટાળ્યું હતું. કેશુભાઈએ કહ્યું હતું કે ‘અંગત વાતોને અંગત રહેવા દેવી જોઈએ. મેં છેલ્લા પત્રમાં મારે જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે. બાવીસ પાનાં ભરીને મેં વ્યથા ઠાલવી છે. દિલ્હીથી પાછા આવ્યા બાદ મને એવું લાગતું હતું કે પક્ષ કોઈ રસ્તો કાઢશે પણ એની પાસે એવો ટાઇમ નથી, તો હવે મારી પાસે પણ ટાઇમ નથી.’

આજે ઑફિશ્યલ જાહેરાત

કેશુભાઈ પટેલ આજે પોતાના નવા રાજકીય પક્ષની ઑફિશ્યલી જાહેરાત કરશે. કેશુભાઈના નવા પક્ષ વિશે તેઓ કાંઈ બોલવા તૈયાર નથી, પણ ગઈ કાલે તેમણે એટલી સ્પષ્ટતા કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમજેપી મર્જ થાય કે બહાર રહે એનાથી કોઈ ફરક નથી પડવાનો. અમે બધા એકબીજાના નાના-મોટા ભાઈઓ છીએ અને એકબીજાની હૂંફ સાથે જ કામ કરવાના છીએ.’

ઈ બધા તો ભાદરવાના ભીંડા : રૂપાલા

કેશુભાઈ પટેલે બીજેપીમાંથી રાજીનામું આપી દેતાં બીજેપીના સિનિયર નેતાને જાણે બોલવાની છૂટ મળી ગઈ હોય એમ કેશુભાઈ પટેલ માટે જવાબ આપવા શરૂ કરી દીધા છે. ગઈ કાલે બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે ‘ઈ બધા તો ભાદરવાના ભીંડા જેવા શે. ચોમાસું આવે એટલે ઊગી નીકળે, પણ પછી ક્યાંય એનાં દર્શન ન થાય. જાન્યુઆરી મહિનો આવવા દ્યો, બાપા તો શું બાપાનાં છોકરાંવ પણ ગુમ થઈ જાશે.’

નવી પાર્ટીના પ્રમુખ હશે ખુદ બાપા

નવા પક્ષના પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલનું નામ રાખવામાં આવે, જ્યારે પક્ષના ઉપપ્રમુખ તરીકે કાશીરામ રાણા અને સુરેશ મહેતાનું નામ નક્કી થવાની શક્યતા છે. ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે આ તમામ નેતાઓ વચ્ચે એક મીટિંગ યોજાઈ હતી, જે લગભગ ત્રણેક કલાક ચાલી હતી. આ મીટિંગ પછી નવા પક્ષની જાહેરાત થવાની હતી, પણ ત્રણ કલાકની મીટિંગ પછી નક્કી થયું કે પક્ષની જાહેરાત ૨૪ કલાક મોડી કરવી. એમજેપીના પ્રમુખ ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે ‘સામેવાળા નબળા હૃદયના છે. જો એકસાથે બધા ઝાટકા આપી દઈએ તો ખોટા હૉસ્પિટલમાં દાખલ કરવા જવું પડે. એવું ન થાય એટલે અમે ધીમે-ધીમે એને ઝાટકા આપવા માગીએ છીએ.’

મોદીના મહાવિજય અભિયાનની આવતી કાલે બેઠક

૨૦૧૨ના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત બીજેપીએ શરૂ કરેલા મહાવિજય અભિયાનની બેઠક આવતી કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગરમાં મળશે અને વિધાનસભાની ચૂંટણી માટે આંદોલનાત્મક વ્યૂહ ઘડવામાં આવશે. ગુજરાત બીજેપીના પ્રદેશપ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય મનસુખ માંડવિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાત બીજેપીના મહાવિજય અભિયાનના ભાગરૂપે ગુજરાતના અગ્રણી કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મહત્વની બેઠક સોમવારે મળશે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી અને પ્રદેશપ્રમુખ આર. સી. ફળદુ ઉપસ્થિત રહેશે. બેઠકમાં બીજેપીના હોદ્દેદારો, સંસદસભ્યો, ધારાસભ્યો, ર્બોડ નિગમોના ચૅરમૅનો, મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો હાજર રહેશે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી, એમજેપી = મહાગુજરાત જનતા પાર્ટી