કેશુભાઈ પોતાની પાર્ટીનું ચિહ્ન રાખવા માગે છે બૅટ

18 October, 2012 05:15 AM IST  | 

કેશુભાઈ પોતાની પાર્ટીનું ચિહ્ન રાખવા માગે છે બૅટ



ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે જંગે ચડેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)નું ઇલેક્શન કમિશનમાં રજિસ્ટર કરાવવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. પાર્ટી રજિસ્ટર થયા પછી કેશુભાઈએ જીપીપી માટે ચૂંટણીચિહ્ન પસંદ કરવાનું આવશે. જીપીપીમાંથી જાણવા મળ્યાં પ્રમાણે કેશુભાઈ પટેલે પોતાની પાર્ટીના સિમ્બૉલ માટે ક્રિકેટના બૅટ પર પસંદગી ઉતારી છે. રાજકારણીઓને ફટકા મારવા માટે ક્રિકેટનું બૅટ પર્ફેક્ટ છે એવા હેતુથી પાર્ટી આ સિમ્બૉલ સાથે ઇલેક્શનમાં ઊતરવા માગે છે. જો ક્રિકેટનું બૅટ સિમ્બૉલ તરીકે ન મળે તો બીજા ઑપ્શનમાં પાર્ટીએ રિક્ષા પસંદ કરી છે. સામાન્ય માણસને લાવવા-લઈ જવાનું કામ કરતી રિક્ષા દ્વારા પાર્ટી એવો સંદેશ આપવા માગે છે કે જો સામાન્ય માનવી ધારે તો તે પ્લેનમાં ઊડતા માણસને રિક્ષા જેવા સામાન્ય વાહનથી ઘરે બેસાડી શકે છે.

અત્યારે જીપીપીના રજિસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે. ધારો કે એ રજિસ્ટ્રેશનમાં કોઈ પ્રૉબ્લેમ થયો અને જીપીપીનું આ ઇલેક્શનમાં રજિસ્ટ્રેશન ન થાય તો અગાઉથી ઑલરેડી રજિસ્ટર પણ જીપીપીમાં મર્જ કરી દેવામાં આવેલી મહાગુજરાત જનતા પાર્ટીના નામે ઉમેદવારી નોંધાવી શકાય એ હેતુથી કેશુભાઈ પટેલે મહાગુજરાત જનતા પાર્ટીનું પતંગનું સિમ્બૉલ જતું કર્યું છે અને જીપીપી માટે નવું સિમ્બૉલ પસંદ કરવાનું નક્કી કર્યું છે.