આવતા મહિને આવી રહી છે કેશુભાઈની પરિવર્તન રથયાત્રા

08 August, 2012 05:46 AM IST  | 

આવતા મહિને આવી રહી છે કેશુભાઈની પરિવર્તન રથયાત્રા

સોમવારે ઓફિશ્યલી પોતાના નવા પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટીની જાહેરાત કરનારા કેશુભાઈ પટેલે હવે ગુજરાતમાં પરિવર્તન રથયાત્રાનું પ્લાનિંગ કર્યું છે. કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘નવા પક્ષને જનતા સુધી લઈ જવો બહુ જરૂરી છે એટલે અમે આ યાત્રાનું આયોજન કર્યું છે. યાત્રા ગુજરાતના ચાર છેડેથી નીકળશે અને છેલ્લે અમદાવાદમાં ભેગી થશે અને ત્યાં જ ઉમેદવારોનાં નામ જાહેર થશે.’

સપ્ટેમ્બરમાં નીકળનારી આ રથયાત્રાના સૌરાષ્ટ્રના રથમાં કેશુભાઈ પટેલ હશે. દક્ષિણ ગુજરાતના રથની કાશીરામ રાણા, કચ્છના રથની સુરેશ મહેતા અને અમદાવાદના રથની ગોરધન ઝડફિયા આગેવાની લેશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના એક સમયના ગુરુ અને આરએસએસના ભૂતપૂર્વ પ્રાંત-સંચાલક પ્રવીણ મણિયારે કહ્યું હતું કે ‘વીએચપી અને સંઘપરિવાર પણ ઇચ્છે છે કે ગુજરાતમાં પરિવર્તન આવે. આ બન્ને પરિવારના મૂક આર્શીવાદ અમારી સાથે છે.’

રથયાત્રા દરમ્યાન ગુજરાત પરિવર્તન પાર્ટી સામાન્ય સભ્યો બનાવવાનું કામ પણ કરશે, જે માટેનાં ફૉર્મ તૈયાર કરવાનું કામ ગઈ કાલથી શરૂ થયું છે. આ ફૉર્મ પર ‘પરિવર્તન : આવો અને નિમિત્ત બનો’ એવું લખ્યું હશે. ગઈ કાલે કેશુભાઈ પટેલે એવો દાવો કર્યો હતો કે પરિવર્તન રથયાત્રા દરમ્યાન તેમની પાર્ટીના એક લાખથી વધુ સામાન્ય સભ્ય બનાવવામાં આવશે અને આ સિવાય બીજા પચાસ હજાર  સભ્યો બીજેપી છોડીને તેમની સાથે જોડાશે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

આરએસએસ = રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

વીએચપી = વિશ્વ હિન્દુ પરિષદ