કેશુભાઈએ મોદીનો આભાર શું કામ માન્યો?

24 November, 2012 05:57 AM IST  | 

કેશુભાઈએ મોદીનો આભાર શું કામ માન્યો?




ગઈ કાલે કેશુભાઈ પટેલે જીપીપીમાંથી જૂનાગઢ જિલ્લાના વિસાવદર ગામની બેઠક પરથી ઉમેદવારીપત્રક ભર્યું હતું અને આ ફૉર્મ ભર્યા પછી બહાર આવીને સૌથી પહેલો આભાર તેમણે પોતાના કટ્ટર હરીફ અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો માન્યો હતો અને કહ્યું હતું કે ‘જ્યારે મેં રાજકારણમાં પાછા આવવાનું પણ નહોતું વિચાર્યું ત્યારે મોદીએ ગુજરાતમાં વિવેકાનંદ યુવા અભિયાન હેઠળ ગુજરાતમાં ૧૦,૦૦૦ બૅટનું વિતરણ કર્યું અને હવે અમને બૅટનું સિમ્બૉલ મળ્યું છે. રાવણના હાથે સત્યના પ્રચાર જેવો આ ઘાટ સર્જાયો છે. આ કુદરતી સંકેત છે. ભગવાન પણ ઇચ્છે છે કે હવે મોદીને બૅટના ફટકા લાગે.’


ગુજરાત વિધાનસભાના ઇલેક્શન માટે ગઈ કાલે ગુજરાતના મોટા અને સિનિયર કૅટેગરીના નેતા કેશુભાઈ પટેલ ઉપરાંત તેમની પાર્ટીના ગોરધન ઝડફિયાએ ગોંડલમાંથી, ભાવનગરમાંથી કૉન્ગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે, નરેન્દ્ર મોદી સામે બળવો પોકારીને પર્યાવરણની રક્ષા માટે મેદાનમાં ઊતરેલા મહુવાના ડૉ. કનુભાઈ કળસરિયાએ પોતાની અલગ પાર્ટી સદ્ભાવના મંચમાંથી અને રાજકોટમાંથી બીજેપીના નેતા વજુભાઈ વાળાએ ર્ફોમ ભર્યું હતું. આવતી કાલે ફૉર્મ ભરવાનો છેલ્લો દિવસ છે એટલે બાકીના સૌ નેતાઓ આજે ફૉર્મ ભરશે. ગુજરાત બીજેપીએ મોટા ભાગના ધારાસભ્યો રિપીટ કર્યા છે. કેશુભાઈ પટેલેના કહેવા પ્રમાણે આ જીપીપીની અસર છે.


જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી