કેશુભાઈની સરકાર આવશે તો છકડો બનશે પૅસેન્જર વેહિકલ

16 November, 2012 06:45 AM IST  | 

કેશુભાઈની સરકાર આવશે તો છકડો બનશે પૅસેન્જર વેહિકલ



વડીલો દ્વારા નવા વર્ષે પરિવારના સભ્યોને ભેટ આપવામાં આવે એવી પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ પરંપરા આગળ વધારતાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જીપીપીના ચૅરમૅન કેશુભાઈ પટેલે નવા વર્ષની રાતે જાહેરાત કરી હતી કે ‘છેલ્લાં ત્રીસ વર્ષથી ગુજરાતમાં ચાલતા અને ગુજરાતની ઓળખસમા બની ગયેલા છકડાને ટ્રાન્સપોર્ટ વેહિકલ તરીકેની મંજૂરી મળી છે, પણ હજી સુધી એને પૅસેન્જર વેહિકલ તરીકે વાપરવાની પરવાનગી આપવામાં આવી નથી. જો જીપીપીની સરકાર બનશે તો બે મહિનામાં જીપીપી ગુજરાતના છકડાઓને પૅસેન્જર વેહિકલ તરીકે ઓફિશ્યલ બનાવશે.’

ગુજરાતમાં અત્યારે ૧,૦૦,૦૦૦ છકડાઓ છે. ગામડાંઓ વચ્ચે આ છકડા પૅસેન્જર વેહિકલનું કામ કરે છે અને સરેરાશ દરરોજ વીસ લાખ લોકો આ છકડામાં જ ટ્રાવેલ કરે છે. છકડાને પૅસેન્જર વેહિકલ બનાવવા માટે પાંચેક વર્ષ પહેલાં લાંબી મથામણ ચાલી હતી, પણ આરટીઓએ છકડાને એવી કોઈ પરમિશન આપી નહોતી. કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નૅનો અને મારુતિ માટે મોદીએ બધી સુવિધા પૂરી પાડી છે, પણ જે છકડા ગુજરાત સિવાય ક્યાંય બનતા નથી એ છકડાને કોઈ સુવિધા આપવામાં આવી નથી. છકડા ગુજરાતની ઓળખ છે, એને સાચવી રાખવાની જવાબદારી સરકારની છે. જીપીપી આવશે તો ગુજરાતમાં છકડાને બધા પ્રકારની સુવિધા મળશે અને ઉત્પાદનના વેરામાં છૂટછાટ પણ આપવામાં આવશે.’ ગુજરાતમાં બનતા છકડા પંદર લાખથી વધુ લોકોને રોજીરોટી આપે છે.