કેશુભાઈનાં પડખે પડછાયાની જેમ રહે છે તેમની દીકરી સોનલ

22 November, 2012 05:50 AM IST  | 

કેશુભાઈનાં પડખે પડછાયાની જેમ રહે છે તેમની દીકરી સોનલ



૮૪ વર્ષની ઉંમરે પણ નવેસરથી ચૂંટણીજંગમાં ઊતરેલા કેશુભાઈ પટેલનું પીઠબળ બીજું કોઈ નહીં પણ તેમની દીકરી સોનલ દેસાઈ છે. કેશુભાઈ પટેલના છઠ્ઠા નંબરનું સંતાન એવી સોનલ છેલ્લા બે મહિનાથી બધું છોડીને સતત પપ્પા કેશુભાઈની સાથે ફરી રહી છે અને પપ્પાએ બનાવેલી નવી પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રચારથી માંડીને પાર્ટીના પ્રેસિડન્ટ તેવા પપ્પાની તબિયતનું ધ્યાન રાખવાનું કામ કરી રહી છે. પ્રોફેશનલી ડૉક્ટર એવી સોનલે પપ્પાએ જ્યારથી પાર્ટી ઍનાઉન્સ કરી છે ત્યારથી પ્રૅક્ટિસ પણ છોડી દીધી છે. સોનલે કહ્યું હતું કે ‘પપ્પાની હેલ્થ માટે તેમની સાથે રહેવું જરૂર હોવાથી મેં અત્યારે બધાં કામ પડતાં મૂકી દીધાં છે. જીપીપીનાં મહિલા મોરચાની જવાબદારી પણ મેં સંભાળી છે, પણ એનો અર્થ એવો નથી કે હું પૉલિટિક્સમાં ઍક્ટિવ થઈશ. હું ખાલી ઇલેક્શન પૂરતું પપ્પાનું બધું કામ સંભાળું છું, ઇલેક્શન પછી હું મારી પ્રૅક્ટિસમાં ફરીથી કામે લાગી જઈશ.’

સોનલ પોતાના વિશે વધુ વાત કરવા તૈયાર નથી, પણ હકીકત એ છે કે ૨૦૦૨માં સોનલના હસબન્ડ ડૉ. મયૂર દેસાઈ અને ભાઈ ભરત પટેલ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપસર કેશુભાઈ પટેલે પાસેથી બીજેપીનું મુખ્ય પ્રધાનપદ લઈ લેવામાં આવ્યું હતું અને આ જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવી હતી. જીપીપીના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે પતિ અને ભાઈને કારણે પપ્પાએ સત્તા ગુમાવી એ વાતનું દુ:ખ સોનલને મનમાં બહુ છે અને એટલે જ તે આ વખતે પાર્ટીનાં દરેક કામ ઇન્ટરેસ્ટથી કરી રહી છે અને સતત કેશુભાઈ સાથે પ્રવાસ કરી રહી છે. સોનલ કહે છે, ‘ગુજરાતની હાલત જોઈને પપ્પા ઘરમાં બેઠા બહુ જીવ બાળતા હતા એટલે હું જ તેમને ફરીથી ઍક્ટિવ થવાનું પ્રેશર કરતી હતી. આ પ્રેશર પછી પપ્પાએ પૉલિટિક્સમાં આવવાનું ફાઇનલ કર્યું એટલે મારા માટે જવાબદારી વધી ગઈ, જે હું નિભાવીને પપ્પાને ફરી સત્તા પર લાવવા માગું છું.’

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી, બીજેપી = ભારતીય જનતા પાર્ટી