મોદી જશે પછી જ કાશીભાઈના આત્માને શાંતિ મળશે : કેશુબાપા

05 September, 2012 02:42 AM IST  | 

મોદી જશે પછી જ કાશીભાઈના આત્માને શાંતિ મળશે : કેશુબાપા

ગુજરાત પરિવર્તન પાર્ટીના મહામંત્રી અને એક સમયના ટેક્સટાઇલ મિનિસ્ટર કાશીરામ રાણાનું ગુરુવારે અવસાન થયા પછી ગઈ કાલે પહેલી વાર કેશુભાઈ પટેલ દ્વારા યોજવામાં આવેલા પરિવર્તન સંમેલનમાં કેશુભાઈ પટેલ ખરેખર કાશીરામ રાણાને મિસ કરતા હોય એ દેખાઈ આવતું હતું. મોરબીના રવાપર રોડ પર રાખવામાં આવેલા આ સંમેલનમાં કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં સત્તાપરિવર્તન માટે કરવામાં આવેલું આંદોલન ત્યારે જ કાશીભાઈના આત્માને શાંતિ આપશે જ્યારે ગુજરાતમાંથી મોદી જશે. અમારું ધ્યેય એક હતું, અમારો હેતુ એક હતો અને અમારી ભાવના પણ એક જ હતી. એ ભાવનાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો આ વિરોધ હવે વધુ મજબૂત થયો છે. કાશીભાઈ કહેતા હતા કે જે વ્યક્તિ પાર્ટીનું કે પબ્લિકનું ન વિચારે તેનું આપણે નહીં વિચારીએ. હવેથી અમે પણ એ જ કરવાના છીએ. કાશીભાઈ જીપીપીની વિચારધારા હતા અને કાયમ માટે રહેશે.’

ગુજરાત સરકાર દ્વારા મોરબી શહેરને થતા અન્યાયની વાતો પણ કેશુભાઈને કંઠસ્થ હતી. કેશુભાઈએ કહ્યું હતું કે ‘વિદેશી કંપનીઓને ગુજરાતમાં લાવીને મોદી-સરકારે મોરબીની ક્લૉક ઇન્ડસ્ટ્રી, સિરૅમિક અને ટાઇલ્સ-ઇન્ડસ્ટ્રીને ખતમ કરી નાખી છે. વિદેશી કંપનીઓને બધી સુવિધા આપવામાં આવે છે, જ્યારે અહીંના લોકોને એ જ સુવિધા મોંઘી કરીને આપવામાં આવે છે.’

એક તબક્કે તો કેશુભાઈ એવું પણ બોલી ગયા હતા કે જો તમને મારા શબ્દો સાચા લાગતા હોય અને એવું લાગ્યું હોય કે મોદી અને તેના પ્રધાનમંડળે મોરબીને અન્યાય કર્યો છે તો આજ પછી તમે આ સરકારના એકેય પ્રધાનને મોરબીમાં આવવા ન દેતા.

કાશીરામ સ્ટેજ પરથી શું કામ ઊતર્યા?

ગઈ કાલના સંમેલનમાં કાશીરામ રાણાના ફોટોગ્રાફને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું અને પછી એને ફૂલહાર કરીને હટાવી લેવામાં આવ્યો હતો, જે વિશે સ્પષ્ટતા કરતાં જીપીપીના વાઇસ પ્રેસિડન્ટ ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે ‘સંમેલન પછી લોકો કેશુભાઈને મળવા માટે સ્ટેજ પર ધસારો કરતા હોય છે, જેમાં ફોટોફ્રેમ ન તૂટે એનું ધ્યાન રાખવા અમે ફોટોફ્રેમ હટાવી લીધી હતી.’

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી