કેજરીવાલના ખભે બંદૂક રાખી શ્વેતા ભટ્ટે માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો

05 December, 2012 04:46 AM IST  | 

કેજરીવાલના ખભે બંદૂક રાખી શ્વેતા ભટ્ટે માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો




એક પછી એક ઘટસ્ફોટ કરીને દેશભરમાં ખળભળાટ મચાવનાર આમ આદમી પાર્ટીના નૅશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે ગઈ કાલે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ઝપટમાં લીધા હતા. કેજરીવાલે મોદી પર અદાણી જૂથને પાણીને ભાવે જમીનો આપી દેવાનો તથા કૅનેડાની કંપનીને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું ગૅસ ફીલ્ડ વિનામૂલ્યે આપી દેવાનો આરોપ મૂક્યો હતો. ‘વિકાસ પુરુષ’ની મોદીની ઉપમા સામે ગંભીર સવાલો કરતાં કેજરીવાલે પ્રામાણિક હોવાના મોદીનો દાવો નકાર્યો હતો. કેજરીવાલે સિનિયર વકીલ પ્રશાંત ભૂષણ સાથે મળીને મોદી પર આક્ષેપોની વણઝાર વરસાવી દીધી હતી. રસપ્રદ વાત એ છે કે મોદી સરકારની પોલ ખોલતા મહત્વના દસ્તાવેજો ગુજરાતના સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટનાં પત્ની અને અમદાવાદની મણિનગર બેઠક પર મોદી સામે જ ચૂંટણી લડી રહેલાં શ્વેતા ભટ્ટે કેજરીવાલને આપ્યા હતા. કેજરીવાલે આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો. 

અદાણીને જમીનોની લહાણી

કેજરીવાલે દાવો કર્યો હતો કે ગાંધીનગરમાં કીમતી જમીન અદાણી જૂથને પાણીના ભાવે આપી દેવામાં આવી હતી. એટલું જ નહીં, જ્યારે ઍરર્ફોસે ગાંધીનગરમાં જમીન માગી હતી ત્યારે સરકારે તેનો ઇનકાર કરી દીધો હતો. અદાણી જૂથે બાદમાં એક નિવેદન બહાર પાડીને કેજરીવાલે કરેલા આક્ષેપોને નકાર્યા હતા.

ફ્રીમાં આપ્યા ગૅસ ફીલ્ડ

કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે મોદીએ માત્ર ૬૪ ડૉલર (૩૨૦૦ રૂપિયા)ની મૂડી સાથે કૅનેડિયન દ્વારા શરૂ કરવામાં આવેલી કંપનીને કૃષ્ણા-ગોદાવરી બેસિન ગૅસ ફીલ્ડનો ૧૦ ટકા હિસ્સો આપી દીધો હતો. તહેલકા મૅગેઝિને પણ મોદી સરકારે બાર્બેડોસમાં રજિસ્ટર્ડ થયેલી આ જ કંપનીને વિનામૂલ્યે ગૅસ ફીલ્ડનો હિસ્સો આપી દીધો હોવાનો દાવો કર્યો હતો.