હવે સો જેટલાં કચ્છી પુસ્તકો ઈ-બુક્સ બનશે

21 December, 2014 05:57 AM IST  | 

હવે સો જેટલાં કચ્છી પુસ્તકો ઈ-બુક્સ બનશે




ઉત્સવ વૈદ્ય

કચ્છના પત્રી ગામના સંશોધકે સૌપ્રથમ વાર પૂર્ણ કક્ષાની કચ્છી ભાષાની વેબસાઇટ વિકસિત કરી છે જેનું નામ છે વાધોડ. જેનો અર્થ થાય છે પૂછપરછ. આ કચ્છી વેબસાઇટને જોવા vadhod.comoj.com લિન્ક જોડવાની રહે છે. આ કચ્છી વેબસાઇટના નિર્માતા કચ્છના મુંદ્રા તાલુકાના પત્રી ગામના મણિલાલ ગાલાના જણાવ્યા પ્રમાણે આ વેબસાઇટમાં PDFમાં કચ્છી ફૉન્ટની સમજૂતી આપવામાં આવી છે. એ ઉપરાંત ‘અખાની આખોતડી’ નામનો વાર્તાસંગ્રહ, કવિતા ‘અલેકરી’ અને રશિયાના સુપ્રસિદ્ધ ફિલ્મમેકર આન્દ્રે તાર્કોસ્કીની ડાયરી કચ્છી ભાષામાં ડાઉનલોડ કરવા મૂકવામાં આવી છે. આ ઉપરાંત ભણસાલી જ્ઞાતિ દ્વારા ગાવામાં આવતું એક લોકગીત ‘ગોરેવારા ગોતિયા’ની MP3 મ્યુઝિક ફાઇલ પણ ઉપલબ્ધ છે. આ વેબસાઇટનું સતત અપડેશન થઈ રહ્યું છે અને હવે ટૂંક સમયમાં વર્ષ ૧૮૬૯માં માંડવી તાલુકાના કોટડી મહાદેવપુરી ગામના વેદાંતી સાધુ કરસનદાસ દ્વારા લખવામાં આવેલા પ્રથમ કચ્છી પુસ્તક ‘સાધુ કરસન બાવની’ને પણ ઈ-બુકના ફૉર્મમાં રજૂ કરવામાં આવશે.

આ વેબસાઇટ વિકસિત કરવામાં મહત્વનો ફાળો આપનાર મણિલાલ ગાલાના પુત્ર પર્જન્ય ગાલાએ પ્રારંભથી જ ઘરે બેસીને અભ્યાસ કર્યો છે અને તેને પ્રાથમિક સ્કૂલમાં પણ ન મોકલવાનો નિર્ણય મણિલાલે લીધો હતો. હવે પર્જન્ય BCAનો અભ્યાસ કરી રહ્યો છે. પ્રથમ તબક્કે સો જેટલી કચ્છી ઈ-બુકને આ વેબસાઇટ પર મૂકવામાં આવશે.

મણિલાલ ગાલા છેલ્લા બે દાયકાથી કચ્છી ભાષાના સંશોધન સાથે સંકળાયેલા છે.