અજમલ કસબને અપાયેલી ફાંસીને કુબેર પર કઈ રીતે ઊજવવામાં આવી?

25 November, 2012 03:56 AM IST  | 

અજમલ કસબને અપાયેલી ફાંસીને કુબેર પર કઈ રીતે ઊજવવામાં આવી?



૨૬/૧૧ કાંડના એકમાત્ર જીવતા બચેલા આરોપી અજમલ કસબને બુધવારે પુણેમાં ફાંસી આપવામાં આવ્યા પછી બુધવારે કુબેર બોટના માલિક વિનોદભાઈ મસાણીએ મીઠાઈની માનતા છોડીને ફટાકડા ફોડી ફાંસીને વધાવી લીધી હતી, પણ એ અંગત ઉજવણી હોય એવું તેમને લાગતાં તેમણે પોતાના આ આનંદના અવસરમાં કુબેર બોટને સામેલ કરીને બોટમાં કામ કરતા અત્યારના ૭ ખલાસીઓને એક મહિનાના પગારનું બોનસ આપી એક મહિનાની રજા આપી હતી. વિનોદભાઈએ કહ્યું હતું કે ‘મારે આ બોટ સાથે જોડાયેલા સૌને આ આનંદની ક્ષણમાં ભાગીદાર બનાવવા હતા એટલે મેં ડબલ પગાર અને રજા આપવાનું નક્કી કર્યું હતું.’

અજમલ કસબ અને તેની ટોળકીએ ૨૦૦૮માં કુબેર બોટને મધદરિયે હાઇજૅક કરી હતી અને બોટમાં રહેલા પાંચ ખલાસી અને એક ટંડેલ મળી કુલ છની હત્યા કરી પોતાની લોહિયાળ સફરની શરૂઆત કરી હતી. વિનોદભાઈએ જે-તે સમયે મરનારા છએછ જૂના સાથીઓના ઘરે પણ ૧૧,૦૦૦ રૂપિયા અને મીઠાઈનું બૉક્સ મોકલીને તે બધાને પણ આ અવસરમાં સામેલ કર્યા હતા.

કસબને ફાંસી આપવામાં આવી ત્યારે કુબેર મધદરિયે ફિશિંગ માટે ગઈ હતી, જે બુધવારે મોડી સાંજે પાછી આવ્યા પછી વિનોદભાઈએ મીણબત્તીથી અને બીજા ડેકોરેશનના સામાનથી આખી બોટ શણગારી હતી અને પોરબંદરવાસીઓને બોટ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. શણગારેલી આ બોટ જોવા ગઈ કાલે ૫૦૦થી ૭૦૦ લોકો બોટ પર આવ્યા હતા. આવનારા સૌને મીઠાઈ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.