કનુભાઈ કળસરિયા અને કેશુભાઈ પટેલ થયા એક

21 November, 2012 06:24 AM IST  | 

કનુભાઈ કળસરિયા અને કેશુભાઈ પટેલ થયા એક



ગુજરાત વિધાનસભાના ઇલેક્શન માટે ખાસ બનાવવામાં આવેલી કેશુભાઈ પટેલની જીપીપીમાં નહીં જોડાઈને ભાવનગર જિલ્લાના મહુવા ગામના બીજેપીના વિદ્રોહી ધારાસભ્ય અને પર્યાવરણપ્રેમી ડૉ. કનુભાઈ કળસરિયાએ એવો સંકેત આપ્યો હતો કે તે કેશુભાઈ પટેલ સાથે નહીં પણ એકલા લડશે. જોકે આ સંકેતને અવગણીને ગઈ કાલે કનુભાઈ કળસરિયાએ કેશુભાઈ પટેલ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં હાજર રહેનારા કેશુભાઈ પટેલના એક નજીકના કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મીટિંગમાં નક્કી થયા મુજબ કનુભાઈ કળસરિયા ભાવનગર જિલ્લાની પાંચ બેઠક પર પોતાના ઉમેદવાર રાખશે અને જીપીપી તે પાંચ ઉમેદવારને સપોર્ટ કરશે.’

નક્કી કરવામાં આવેલી આ સ્ટ્રૅટેજી મુજબ જો ભાવનગર જિલ્લામાં પાંચેપાંચ ઉમેદવાર કનુભાઈ કળસરિયાના સદ્ભાવના મંચના સભ્યો હશે તો જીપીપીના મહામંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ પોતાની બેઠક બદલાવી પડે. અગાઉ ગોરધન ઝડફિયાએ ભાવનગર જિલ્લાના પોતાના વતન ગારિયાધરમાંથી વિધાનસભાની ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું હતું પણ હવે તે રાજકોટ જિલ્લાના ગોંડલમાંથી ઉમેદવાર કરે એવી શક્યતા છે. આ ગઠબંધન વિશે કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘કોણ ક્યાંથી લડે છે એ મુદ્દો નથી, પણ અમારો મુદ્દો એ છે કે કેવી રીતે મોદીને રોકવા. આને માટે અમે બધી સ્ટ્રૅટેજી વાપરી રહ્યા છીએ. અત્યારે અમારી સ્ટ્રૅટેજી છે કે દરેક જિલ્લામાં એક એવડું મોટું નામ લઈ આવવું કે જે મોદી નામના રાવણનો રથ રોકી લે.’

ભાવનગર જિલ્લામાં બની રહેલા નિરમાના સિમેન્ટ પ્લાન્ટને અટકાવવા માટે કનુભાઈ કળસરિયાએ ચલાવેલા આંદોલનને કારણે કનુભાઈ કળસરિયા ભાવનગરમાં જબરદસ્ત લોકપ્રિય થયા હતા. આ આંદોલનને કારણે સુપ્રીમ ર્કોટે નિરમા પ્લાન્ટનું કામ કાયમી ધોરણે અટકાવી દીધું છે.