કાંકરિયા કાર્નિવલ : લખોટી, ભમરડા, નાગોલચુ, મોઈદંડાની વીસરાઈ ગયેલી રમતો તમને યાદ છે?

23 December, 2011 06:36 AM IST  | 

કાંકરિયા કાર્નિવલ : લખોટી, ભમરડા, નાગોલચુ, મોઈદંડાની વીસરાઈ ગયેલી રમતો તમને યાદ છે?



મદાવાદ: અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવ પાસે ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન યોજાનારા કાંકરિયા કાર્નિવલમાં વીસરાતી જતી પરંપરાગત રમતો લખોટી, ભમરડા, નાગોલચુ, મોઈદંડા, ખોંચમણી સહિતની રમતોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે અને બાળકોને આ બધી રમતોથી વાકેફ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ વાર મોબાઇલ ફિલ્મસ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અમદાવાદના મેયર અસિત વોરાએ કહ્યું હતું કે ‘આજકાલ વિડિયો-ગેમ અને કમ્પ્યુટર-ગેમ કરતાં પણ વધુ લોકપ્રિય રહેલી આપણી પરંપરાગત રમતો પહેલાંના સમયમાં બાળકો રમતાં જોવા મળતાં હતાં; પરંતુ આજકાલ આ રમતો ક્યાંય વીસરાઈ ગઈ છે. આજની પેઢીને તો આવી કોઈ રમતો હતી એ વિશ પણ ખ્યાલ નથી એટલે આ વીસરાતી જતી લખોટી, ભમરડા, નાગોલચુ, મોઈદંડા, ખોંચમણી સહિતની રમતોનું ડેમોન્સ્ટ્રેશન કાંકરિયા કાર્નિવલમાં કરવામાં આવશે.’

આ વખતે પ્રથમ વાર કાર્નિવલમાં સહેલાણીઓને મોબાઇલ ફોન લઈને પ્રવેશ કરવા દેવામાં આવશે. મુલાકાતીઓ કાર્નિવલની કોઈ પણ ઘટના, જગ્યા, પ્રવૃત્તિની પોતપોતાની સમજણ મુજબ મોબાઇલમાં ફિલ્મ બનાવે અને પાંચમા દિવસ પછી યુટ્યુબ પર ઑનલાઇન અપલોડ કરવાની સ્પર્ધા યોજવામાં આવી છે.

૨૫ ડિસેમ્બરે સાંજે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરશે તેમ જ કાંકરિયાની પાળે તૈયાર કરવામાં આવેલા સૅન્ડસ્ટોન મ્યુરલ્સનું લોકાર્પણ પણ કરશે. કાર્નિવલમાં અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત હૉર્સ-શો, ડૉગ-શો, વૉટર ઍડ્વેન્ચર સ્ર્પોટ્સ, આતશબાજી, લેઝર-શો સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. કાર્નિવલમાં તમામ સહેલાણીઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે.