નર્મદા નદીમાં તણાઈ જતાં કચ્છી યુવક અને યુવતીનું મૃત્યુ

28 November, 2012 05:35 AM IST  | 

નર્મદા નદીમાં તણાઈ જતાં કચ્છી યુવક અને યુવતીનું મૃત્યુ



ગુજરાતમાં નર્મદા નદીને અડીને આવેલા શિનોર તાલુકાના ગરુડેશ્વરનાં જંગલોમાં ટ્રૅકિંગનો આનંદ મનાવ્યા પછી કચ્છી યુવક-યુવતીઓના એક ગ્રુપના સાતથી આઠ મેમ્બરો નર્મદા નદીમાં ઓરગામ પાસે નાહવા પડતાં ૧૯ વર્ષનો જિગર સાવલા અને ૨૪ વર્ષની ભવ્યા શાહનાં તણાઈ જવાથી મૃત્યુ થયાં હતાં. આ ઘટના શનિવારે ૨૪ નવેમ્બરે બની હતી. મૃત્યુ પામેલી ભવ્યા મુંબઈમાં મલાડની વતની હતી, જ્યારે જિગર કચ્છના ગાંધીધામમાં રહેતો હતો.

કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના અને તુંબડી ગામના વતની જિગરના પિતા જયેશ સાવલાએ ભારે હૈયે ‘મિડ-ડે’ સાથે કચ્છથી વાત કરતાં કહ્યું હતું કે ‘છોકરાંઓ દર વર્ષે ટ્રૅકિંગમાં જતાં હતાં. આવી કોઈ ઘટના બને એવી અમને કલ્પના નહોતી. ટ્રૅકિંગ પૂરું થયા પછી તેઓ ઓરગામના આશ્રમમાં નાવડા વાટે પાછા ફર્યાં હતાં અને પાણીમાં નાહવા પડ્યાં ત્યારે ગયા શનિવારે આ દુર્ઘટના બની હતી. મારી તો એક જ સલાહ છે કે પાણીથી લોકોએ દૂર જ રહેવું જોઈએ.’

જિગર વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘તે ગાંધીધામની કૉલેજમાં એસવાય બીકૉમમાં ભણતો હતો. તેનો સ્વભાવ મળતાવડો હતો અને તેના ચહેરા પર હંમેશાં સ્માઇલ રહેતું. ટ્રૅકિંગમાં જનારા બધા એકબીજાને ઓળખતા હતા અને ભવ્યા મારા ભાઈ કુંદન સાવલાના સાળા સુનીલ શાહની પુત્રી હતી. મૂળ પત્રી (ભચાઉ)ના સુનીલ શાહનો પરિવાર અત્યારે મલાડમાં રહે છે. ઓરગામના એક નાવિકે કહ્યું કે આવી ઘટના છેલ્લાં ૧૦૦ વર્ષમાં આ સ્થળે નથી બની.’

એસવાય બીકૉમ = સેકન્ડ યર ઑફ બૅચલર ઑફ કૉમર્સ