આ માણસે જીવતેજીવ પોતાના નામની આગળ સ્વ. ઉમેરી દીધું

29 December, 2011 03:17 AM IST  | 

આ માણસે જીવતેજીવ પોતાના નામની આગળ સ્વ. ઉમેરી દીધું



જીવતા જ મોતની ઉજવણી કરી લેવા માટે જીવતા જગતિયું કરવામાં આવતું હોય છે, પણ એ કર્યા પછીયે કોઈ પોતાના નામની આગળ સ્વ. (સ્વર્ગસ્થ) લખતું નથી. જોકે રાજકોટમાં એક એવી વિરલ ઘટના બની છે જેમાં રાજકોટ કૉન્ગ્રેસના પ્રમુખ જસવંતસિંહ ભટ્ટીએ પોતાના નામની આગળ જાતે જ, કોઈ પણ પ્રકારનું જીવતું જગતિયું કર્યા વિના સ્વ. શબ્દ ઉમેરી દીધો એટલું જ નહીં; લોકોને આ બાબતની જાણ કરવા તેમણે પોતાના લેટરપેડ, વિઝિટિંગ કાર્ડ અને ઘરની બહારની તકતી પર પણ સ્વ. શબ્દ ઉમેરી દીધો. જસવંતસિંહ ભટ્ટીએ કહ્યું હતું કે ‘ગયા શુક્રવારે બીજેપીના ગુંડા એવા કાર્યકર ઉદય કાનગડે મારા પર હુમલો કર્યો અને મને જાહેરમાં બેફામ માર માર્યો, પણ સરકાર કે પોલીસે તેની સામે કોઈ પગલાં લીધાં નથી એના વિરોધરૂપે હું હવેથી મારા નામની આગળ સ્વ. શબ્દ ઉમેરી રહ્યો છું. મેં કાયદા પર વિશ્વાસ રાખીને મારું ક્ષત્રિયપણું દેખાડ્યું નહીં એ મારી ભૂલ, પણ હવે હું એવી ભૂલ નહીં કરું. હવે હું રાજકોટમાંથી આ ગુંડારાજ દૂર નહીં કરું ત્યાં સુધી મારા નામની આગળ સ્વ. શબ્દ લગાડેલો રાખીશ.’

ક્ષત્રિય જ્ઞાતિના જસવંતસિંહ ભટ્ટીની આ પ્રતિજ્ઞાને જોઈને બીજેપીના રાજકોટ પ્રમુખ ધનસુખ ભંડેરીએ એવો અર્થ કાઢ્યો છે કે હવે જસવંતસિંહ ભટ્ટી ઉદય કાનગડ પર જીવલેણ હુમલો કરશે. આ જ કારણે તેમને પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે જસવંતસિંહ ભટ્ટીની રિવૉલ્વર જપ્ત કરી લીધી છે. જસવંતસિંહ ભટ્ટી, સૉરી સ્વ. જસવંતસિંહ ભટ્ટી કહે છે, ‘મારવા માટે હથિયાર નહીં ક્યારેક બુદ્ધિ પણ ચાલી જતી હોય છે.’ જોઈએ હવે ભટ્ટીસાહેબના નામની આગળ લાગેલો આ સ્વ. શબ્દ ક્યારે અને કેવી રીતે દૂર થાય છે.

સુખદ પ્રસંગમાં નહીં જાય

મરેલો માણસ ક્યારેય કોઈ પ્રસંગમાં જાય નહીં એ સ્વાભાવિક છે એટલે ગઈ કાલથી સ્વ. જશવંતસિંહ ભટ્ટીએ પણ નક્કી કર્યું છે કે તેઓ કોઈ સુખદ પ્રસંગમાં હાજરી નહીં આપે