વીરપુરમાં રવિવારથી જલારામકથા

09 December, 2011 06:30 AM IST  | 

વીરપુરમાં રવિવારથી જલારામકથા



(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૯

રવિવારથી વીરપુરમાં શરૂ થતી મોરારીબાપુની રામકથા દરમ્યાન વીરપુરના તમામ ગ્રામજનોને બપોરનો પ્રસાદ સાથે લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના માટે મૌખિક કે સાર્વજનિક આમંત્રણને બદલે દરેકેદરેક ઘરને કંકોતરી આપવામાં આવી છે. સંત શ્રી જલારામબાપાને સમર્પિત કરવામાં આવેલી આ રામકથા જલારામકથા તરીકે ઓળખાશે. એના આયોજક અને જલારામબાપાના વંશજ ભરત ચાંદ્રાણીએ કહ્યું હતું કે ‘બાપા ભૂખ્યાને રોટલો આપવાની તરફેણમાં હતા. બાપાના એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે કે કથા પૂરી થાય એટલે બપોરે બાર વાગ્યે બધાએ સાથે પ્રસાદ લેવો, જેના માટે મુખ્ય ભોજનાલય ઉપરાંત અન્ય બે ભોજનાલય પણ વીરપુરમાં બનાવવામાં આવ્યાં છે.’

સામાન્ય રીતે વીરપુરના રસોડે દરરોજ ચારથી પાંચ હજાર લોકો પ્રસાદ લે છે, પણ ૧૦થી ૧૯ ડિસેમ્બર સુધી ચાલનારી આ રામકથા દરમ્યાન આખા વીરપુરને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી રામકથા આયોજન સમિતિનું માનવું છે કે દરરોજ ૭૫,૦૦૦થી વધુ લોકો પ્રસાદ માટે આવશે. આટલા લોકોના પ્રસાદ માટે જરૂરી એવું કરિયાણું, શાકભાજી, ઘઉં, ચોખા અને તેલ ભરવા માટે વીરપુરથી ૧૭ કિલોમીટર દૂર આવેલા ગોંડલ ગામે ત્રણ અને વીરપુરમાં એક ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું છે. પ્રસાદ બનાવવા માટે દરરોજ ત્રણસો માણસોની ટીમ કાર્યરત રહેશે.