પ્રાચીન અને અર્વાચીન બન્ને પ્રસાદ ચડ્યા જલારામાબાપાને

03 November, 2011 10:04 PM IST  | 

પ્રાચીન અને અર્વાચીન બન્ને પ્રસાદ ચડ્યા જલારામાબાપાને



 

ગઈ કાલે સૌરાષ્ટ્રભરમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયેલી ૨૧૨મી જલારામજયંતીના અવસર પર રાજકોટમાં ૨૧૨ કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો, જ્યારે વીરપુરમાં ભાવિકોએ જલારામબાપાના જન્મદિવસ નિમિત્તે ૯૧ કિલોની કેક બનાવી હતી. ભાવિકોની ઇચ્છા તો ૨૧૨ કિલોની કેક બનાવવાની હતી, પણ એ સાઇઝનો અવન જેવો ભઠ્ઠો બનાવવો શક્ય ન હોવાથી છેવટે ૯૧ના આંકને શુકનિયાળ ગણીને ૯૧ કિલોની કેક બનાવવામાં આવી હતી. બનાવવામાં આવેલી આ કેક એક સળંગ બ્રેડ પર જ બની હતી. કેક બનાવવામાં આગેવાની લેનારા વીરપુરના વેપારી જયંત માનસતાએ કહ્યું હતું કે ‘અમારી આ કેક ટોટલી વેજિટેરિયન છે. કેકના આઇસિંગમાં પણ અમે કેસર, બદામ, ગુલાબ અને પિસ્તામાંથી મેળવવામાં આવતા નૅચરલ કલરનો ઉપયોગ કર્યો છે.’

ગઈ કાલે સાંજની આરતી પછી ૧૮ ફૂટનો વ્યાસ ધરાવતી આ કેકનું કટિંગ કરીને કેક વીરપુર દર્શન કરવા આવેલા ભાવિકો વચ્ચે પ્રસાદી તરીકે આપવામાં આવી હતી.

મહાકાય લાડુ

૨૧૨મી જલારામજયંતીના અવસરે રાજકોટના જલારામ ઝૂંપડી ટ્રસ્ટ દ્વારા ૨૧૨ કિલોનો લાડુ બનાવવા માટે ૧૨૦ કિલો ચણાનો લોટ, ૮૦ કિલો ખાંડ, ૫૦ કિલો ઘી અને ૩૫ કિલો ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૧૪ વ્યક્તિની સાત કલાકની મહેનત પછી તૈયાર થયેલો આ લાડુ જન્મજયંતીની રાતે ગરીબોને પ્રસાદી તરીકે આપવામાં આવ્યો હતો. ચાર ફૂટનો વ્યાસ ધરાવતા આ લાડુની ઊંચાઈ પોણાબે ફૂટ હતી.