વીરપુરમાં જલારામબાપાની મૂર્તિઓની શૉર્ટેજ થઈ ગઈ

02 November, 2011 08:20 PM IST  | 

વીરપુરમાં જલારામબાપાની મૂર્તિઓની શૉર્ટેજ થઈ ગઈ



લાફિંગ બુદ્ધા અને ગણેશની અલગ-અલગ પ્રતિમા ઘરમાં રાખવાનો શિરસ્તો તો વષોર્થી છે, પણ આ જલારામ જયંતીથી સંતશ્રી જલારામબાપાની પ્રતિમા પણ ઘરમાં રાખવાનો ક્રેઝ વધ્યો છે. વધી રહેલા આ ક્રેઝ વચ્ચે છેલ્લા ૧૦ દિવસમાં વીરપુરમાંથી જલારામબાપાની એક લાખથી વધુ મૂર્તિઓ વેચાઈ છે. વીરપુરના સ્થાનિક અને અગ્રણી વેપારી રમેશ કટારિયાએ કહ્યું હતું કે ‘આ વર્ષે વીરપુરમાં આવનારા ૯૮ ટકા લોકોએ જલારામબાપાની મૂર્તિ યાદગીરી તરીકે ખરીદી છે. આવું અગાઉ ક્યારેય નહોતું બનતું.’

મૂર્તિનો ક્રેઝ વધ્યો હોવાથી આ વર્ષે વીરપુરમાં મૂર્તિની શૉર્ટેજ ઊભી થઈ છે, જેને કારણે મૂર્તિના ભાવમાં ૧૫થી ૨૫ ટકાનો ઉછાળો આવ્યો છે. વીરપુરના વેપારીઓનું માનવું છે કે આજે જલારામ જયંતીના એક દિવસમાં ૧૦થી ૧૫ હજાર જેટલી મૂર્તિઓ વેચાશે.

આજે જલારામ જયંતીના દિવસે સંતશ્રી જલારામબાપાનાં દર્શન કરવા માટે ઊમટી પડેલા ભાવિકોને કારણે અત્યારે વીરપુરમાં હોટેલ-રૂમની અછત ઊભી થતાં ભાવિકો હોટેલની અગાસી પર રાતવાસો કરવા તૈયાર થયા હતા.