આ આખા ષડ્યંત્ર પાછળ તમને કોનું પીઠબળ છે?

25 October, 2015 06:00 AM IST  | 

આ આખા ષડ્યંત્ર પાછળ તમને કોનું પીઠબળ છે?



પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કબજો મેળવીને શુક્રવારે મોડી રાત્રે તેને સુરતથી અમદાવાદ લઈ આવી હતી. પોલીસની પકડમાં આવી ગયેલા હાર્દિક પટેલને ક્રાઇમ બ્રાન્ચના આકરા અને અણધાર્યા સવાલોનો સામનો કરવાની નોબત આવી છે અને આ આખા ષડ્યંત્ર પાછળ કોનું પીઠબળ છે જેવા વેધક સવાલોની તપાસનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન જુદાં-જુદાં સ્થળોએથી બેફામ ભાષણો માટે જાણીતા થયેલા હાર્દિક પટેલને હવે પોલીસના સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બાન્ચે હાર્દિક પટેલ અને તેના સાથીદારો સામે રાજદ્રોહનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને આ આંદોલન પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે અને કોના ઇશારે આંદોલન ચલાવવામાં આવી રહ્યુંં છે, સરકારને ઉથલાવવાની કામગીરી કોના ઇશારે કરવામાં આવી રહી છે એ સહિતના મુદ્દાઓ પર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરીને તાગ મેળવવાની કોશિશ કરી રહી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અસિસ્ન્ટન્ટ પોલીસ-કમિશનર કે. એન. પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘શુક્રવારે રાત્રે સાડાદસ વાગ્યે હાર્દિક પટેલની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી અને મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. હાર્દિક પટેલને ર્કોટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવશે. અમેજુદા-જુદા મુદ્દાઓ પર આ કેસની તપાસ હાથ ધરીશું. આ આખા ષડ્યંત્ર પાછળ કોનું પીઠબળ છે? તમારી પાછળ કેટલી વ્યક્તિના હાથ છે? તમને કોણ ફન્ડ પૂરું પાડે છે? એ કઈ વ્યક્તિ છે? તમે ક્યાં મીટિંગ કરતા હતા? સિમ-કાર્ડ કોના નામે લેતા હતા? આ સહિતના મુદ્દાઓ પર અમે હાર્દિક પટેલ અને અન્યોની તપાસ કરી રહ્યા છીએ.’

જોકે તેણે આ સવાલોના જવાબમાં શું કહ્યું એ પોલીસે જણાવ્યું નહોતું.પોલીસ હાર્દિક પટેલને સુરતથી અમદાવાદ લઈ આવી ત્યાર બાદ ગઈ કાલે સવારે તેને વી. એસ. હૉસ્પિટલમાં તબીબી તપાસ માટે લઈ ગઈ હતી જ્યાં તેને કોઈ શારીરિક ઈજા કે બીમારી નથીને એની ડૉક્ટરી તપાસ કરવામાં આવી હતી. જોકે બધા રિપોર્ટ નૉર્મલ આવ્યા હતા.

હાર્દિક પટેલની જીદ : માતા-પિતાને મળ્યા વગર અન્નનો દાણો મોઢામાં નહીં મૂકું :  ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં હાર્દિક તેનાં પેરન્ટ્સ અને બહેનને મળ્યો

પોલીસની પકડમાં આવ્યા બાદ બે દિવસથી ખાવાનું છોડીને માતા-પિતાને મળ્યા વગર નહીં ખાઉં એવી જીદ લઈને બેઠેલા હાર્દિક પટેલને માતા–પિતા અને બહેન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં ગઈ કાલે મળ્યાં હતાં. હાર્દિક પટેલની સુરત પોલીસે ધરપકડ કર્યા બાદ શુક્રવારે મોડી રાત્રે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અમદાવાદ લઈ આવી હતી.

પુત્રને મળીને બહાર આવેલા હાર્દિક પટેલના પિતા ભરત પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘હાર્દિકને અંદર કંઈ તકલીફ નથી, બે દિવસથી તેણે ખાધું નહોતું. મારાં માતા-પિતાને મળ્યા વગર નહીં ખાઉં એવું તેણે કહ્યું હતું અને હવે અમે તેને મળ્યાં છીએ અને જમવાનું કહી દીધું છે.’

બીજી તરફ હાર્દિક પટેલેના પિતા ભરત પટેલે એક ગુજરાતી ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘મેં મારા દીકરાને કહી દીધું છે કે બેટા, આપણે હક લેવાનો છે અને કાઠું રહેવાનું છે. હવે પાટીદારોએ વિચારવાનું છે. સમય આવ્યે પાટીદારો જવાબ આપશે.’

હાર્દિક પટેલ અને સાથીઓના ૫૮ મોબાઇલ ફોન વૉઇસ-ટેસ્ટ માટે ફૉરેન્સિક લેબમાં

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને તેના સાથીદારો પાસેથી જપ્ત કરવામાં આવેલા ૫૮ મોબાઇલ ફોન પોલીસે વૉઇસ સ્પેક્ટ્રોગ્રાફ ટેસ્ટ માટે ગાંધીનગરની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSI)માં પોલીસે મોકલી આપ્યા છે.

ગુજરાતમાં ચાલી રહેલા અનામત આંદોલન દરમ્યાન સુરત અને અરવલ્લી જિલ્લાના આંબલિયારા પોલીસ-સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અન્યો સામે અલગ-અલગ ગુના નોંધાયા હતા ત્યારે આ ગુનાની તપાસ માટે પોલીસે હાર્દિક પટેલ અને તેના અન્ય સાથીદારોના ફોન જપ્ત કર્યા હતા. આ તમામ ૫૮ મોબાઇલ ફોન કબજામાં લઈને એને ગાંધીનગરસ્થિત જ્લ્ન્માં વૉઇસ સ્પેક્ટ્રોગ્રાફી માટે મોકલી આપવામાં આવ્યા છે.

હવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આïવેલા આ તમામ આરોપીઓને જ્લ્ન્માં લઈ જઈને તેમના અવાજનું રેકૉર્ડિંગ કરવામાં આવશે. ત્યાર બાદ મોબાઇલ ફોનના અવાજ સાથે જે-તે આરોપીઓનાં વૉઇસ-સૅમ્પલને મૅચ કરવામાં આવશે અને બન્ïને અવાજ એક જ વ્યક્તિના છે કે કેમ એની ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ જ્લ્ન્ના અધિકારીઓ તેમનો અહેવાલ પોલીસને સુપરત કરશે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં આઠમના દિવસે સુરત પોલીસે હાર્દિક પટેલને લઈને ગાંધીનગર જ્લ્ન્માં વૉઇસ-રેકૉર્ડિંગ કર્યું હતું. જો મોબાઇલના અવાજ અને આરોપીઓનાં વૉઇસ-સૅમ્પલ મૅચ થતાં હશે તો પોલીસ માટે ગુનો પુરવાર કરવા માટે આ રિપોર્ટ સહેલો થઈ પડશે.

હાર્દિકના સાથીદારો ચિરાગ, દિનેશ અને કેતનની વૉઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવી


રાજદ્રોહના ગુના હેઠળ ધરપકડ કરવામાં આïવેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણીઓ ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ બામ્ભણિયાની ગઈ કાલે જ્લ્ન્માં વૉઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં અલગ-અલગ ૧૨ વખત વૉઇસ-સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં આવેલી જ્લ્ન્માં ગઈ કાલે ટેસ્ટ માટે લઈ જવામાં આવેલા ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ બામ્ભણિયાની પાંચ કલાક સુધી ટેસ્ટ ચાલી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય પાટીદાર યુવા અગ્રણીઓનાં જુદા-જુદા ૧૨ વખત અલગ-અલગ રીતે વૉઇસ-સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તેમના અવાજના નમૂના રેકૉર્ડ કરવામાં આવ્યા છે.