પાક વીમા કંપનીની માનવતા મરી પરવારી, ખેડૂતોએ બેસણું રાખ્યું

11 June, 2019 07:47 AM IST  |  ધ્રાંગધ્રા

પાક વીમા કંપનીની માનવતા મરી પરવારી, ખેડૂતોએ બેસણું રાખ્યું

ખેડૂતોએ પાક વીમાના પૈસા ન મળતા બેસણું રાખ્યું

ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ પાકવીમા કંપનીનો વિરોધ કરતાં બેસણું યોજી પાકવીમા કંપનીની માનવતા મરી ગઈ હોવાથી તેઓ દ્વારા કાર્યક્રમ સતત શરૂ રાખવા જણાવ્યું હતું આજે અચાનક ખેડૂતો દ્વારા જેસડા ગામે પાકવીમા કંપનીના બેસણાનો કાર્યક્રમ શરૂ કરતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હરકતમાં આવી હતી અને તુરંત તાલુકા પોલીસને જાણ થતાં પીએસઆઈ સહિતનો સ્ટાફ જેસડા ગામે પહોંચી ગયો હતો.

જોકે ખેડૂતો દ્વારા બેસણા કાર્યક્રમ સિવાય અન્ય કોઇ જલદ કાર્યક્રમ ન હોવાથી પોલીસે ખેડૂતોની અટકાયત કરવાનું ટાળ્યું હતું. આ તરફ ગુજરાત કિસાન સંગઠનના અધ્યક્ષ જે. કે. પટેલ દ્વારા જણાવાયું હતું કે, પાકવીમા કંપનીની માનવતા મરી ગઈ હોવાના લીધે તેઓ દ્વારા ગત દિવસોમાં સ્મશાન યાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ પોલીસ અટકાયતના લીધે આ કાર્યક્રમ સફળ નહીં રહેતા અંતિમવિધિ પ્રમાણે તેઓએ આજે બેસણાનો કાર્યક્રમ રાખ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં ફરી અગ્નિકાંડ, પ્રથમ દિવસે જ શાળામાં શૉર્ટસર્કિટ

હજી ખેડૂતોની માગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં મૂંડન અને બારમાનો કાર્યક્રમ પણ થશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ જેસડા ગામે પાકવીમા કંપનીના બેસણા કાર્યક્રમમાં ધ્રાંગધ્રા પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં આવ્યા હતા. અન્ય બેસણાની માફક અહીં પણ બેસણું યોજી તમામ ખેડૂતો દ્વારા બે મિનિટનું મૌન ધારણ કરી બાદમાં શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમનું સમાપન કરી અાગામી સમયમાં જ્યાં સુધી ખેડૂતોની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ જ રીતે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.

gujarati mid-day gujarat