રાજકોટની વન–ડે મૅચમાં એન્ટ્રી નહીં મળે તો પાટીદારો મેદાનની બહાર ક્રિકેટ રમશે

11 October, 2015 04:37 AM IST  | 

રાજકોટની વન–ડે મૅચમાં એન્ટ્રી નહીં મળે તો પાટીદારો મેદાનની બહાર ક્રિકેટ રમશે




પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘રાજકોટમાં રમાનારી વન-ડે મૅચ માટે ૨૫ હજાર ટિકિટો લેવાના છીએ. ૨૫ હજાર પાટીદારો મૅચ જોવા જશે. મૅચ જોવા આવનાર પાટીદારો લોગો સાથેના વાઇટ ટી-શર્ટ અને ટોપી પહેરશે. આ ઉપરાંત પ્લૅકાર્ડ પણ સાથે રાખીશું જેમાં ‘જય સરદાર જય પાટીદાર’, ‘પાટીદાર એકતા ઝિંદાબાદ’ સહિતનાં સૂત્રો લખ્યાં હશે. પાટીદારો આ મૅચનો વિરોધ કરવાના નથી કે મૅચ પણ રોકવાના નથી. સ્ટેડિયમમાં વિરોધ-પ્રદર્શન નહીં કરીએ. હા, ચોક્કા કે છગ્ગા વાગશે ત્યારે અમે પ્લૅકાર્ડ બતાવીશું અને સૂત્રો બોલીશું.’

તમને અને પાટીદારોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં આપવામાં આવે તો શું કરશો? એવા પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘અમે ૨૫ હજાર ટિકિટો લેવાના છીએ. જો અમને એન્ટ્રી નહીં આપવામાં આવે તો સ્ટેડિયમ ખાલી રહેશે અને અમે બહાર ક્રિકેટ રમીશું.’

આજે રાજકોટથી લવ-કુશ યાત્રા

સરદાર પટેલ ગ્રુપ દ્વારા આજે સવારે ૮ વાગ્યે ખોડલધામથી કાર-રૅલી કાઢવામાં આવશે, જે સિદસરમાં આવેલા ઉમિયા માના મંદિર સુધી જશે. અનામત આંદોલનની તરફેણમાં કાઢવામાં આવી રહેલી આ રૅલીની ગઈ કાલે રાતે ૯ વાગ્યે રાજકોટ પોલીસે મૌખિક પરમિશન આપી હતી. એ પરમિશન સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે મોબાઇલમાં રેકૉર્ડ કરી લીધી હતી. લાલજી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ-વિભાગે કહ્યું છે કે હાઇવે પર વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતી કારને અમે રોકી શકીએ નહીં એટલે તમારે આ રૅલીની પરમિશન લેવાની જરૂર નથી. અમે આ જવાબ રેકૉર્ડ કર્યો છે, જેની પોલીસને પણ ખબર છે. હવે અમારી રૅલી નીકળશે એ નક્કી છે.’

લેઉવાના માતાજી એવા ખોડિયાર માતાના ખોડલધામથી શરૂ થનારી આ યાત્રા કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના મંદિર સુધી જવાની હોવાથી સરદાર પટેલ ગ્રુપે આ યાત્રાને લવ-કુશ યાત્રા નામ આપ્યું છે.