સુરતમાં સાસુ-સસરાએ કર્યું પુત્રવધૂનું કન્યાદાન

27 February, 2023 09:11 AM IST  |  Surat | Shailesh Nayak

પુત્રવધૂ ઉષાને કાકાસસરાએ સમજાવીને પુનર્વિવાહ કરાવીને સમાજમાં દાખલો બેસાડ્યો ઃ ૩૦૦ જેટલાં સગાંસંબંધીઓ અને સમાજના આગેવાનોની હાજરીમાં ઉત્સાહપૂર્વક લગ્ન સમારોહ યોજ્યો

સુરતમાં ઉષા પટેલનાં તેનાં સાસરિયાંઓએ પુનર્લગ્ન કરાવ્યાં હતાં.


અમદાવાદ ઃ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં મોટી વેડમાં જુવાનજોધ દીકરાના અવસાન બાદ પુત્રવધૂનું સાસુ-સસરાએ કન્યાદાન કરીને સાસરે વિદાય કરી હોવાનું આવકારદાયક સદ્કાર્ય સંપન્ન થયું છે અને સમાજમાં દાખલો બેસાડી રાહ ચીંધી છે.
સુરતમાં રહેતા દિનેશ પટેલના દીકરાનું મૃત્યુ થયા બાદ કાકાસસરા દીપક પટેલે પુત્રવધૂ ઉષાને સમજાવીને શુક્રવારે તેનાં પુનર્વિવાહ કરાવીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. પુત્રવધૂનાં દીકરીની જેમ લગ્ન કરાવતાં ૩૦૦ જેટલાં સગાંસંબંધીઓ અને સમાજના આગેવાનોની હાજરીમાં ઉત્સાહપૂર્વક લગ્ન સમારોહ યોજ્યો હતો અને પુત્રવધૂને દીકરી ગણીને લાડકોડથી પરણાવીને સાસરે વળાવી ત્યારે ભાવુક માહોલ સર્જાયો હતો.
સુરતમાં આવેલી મોટી વેડમાં રહેતા અને મોટી વેડ કોળી સમાજના પ્રમુખ દીપક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા મોટા ભાઈ દિનેશભાઈના દીકરા વિમલનું દોઢ વર્ષ પહેલાં માંદગીના કારણે અવસાન થયું હતું. પુત્રવધૂ ઉષા ઘરે જ રહેતી હતી. ઉષાનાં મમ્મી-પપ્પા મૃત્યુ પામ્યાં હોવાથી તેના કાકા જગદીશભાઈ અને કાકી સાથે વાત કરી હતી કે ઉષાના પુનર્વિવાહ કરાવીને બીજે વળાવીએ. અમારા વિચાર સાથે ઉષાનાં કાકા અને કાકી સહમત થયાં હતાં. અમારે આ વાત ઉષાને પણ કરવી હતી. તેને નવ વર્ષનો દીકરો નક્ષ પણ છે એટલે ઉષાને તેના પુનર્વિવાહ કરવાની વાત કરી તો તેણે ના પાડી હતી. જોકે તેને અમે સમજાવી હતી કે ઉંમર નાની છે અને સામે આખી જિંદગી પડી છે. અમે તને સારું પાત્ર શોધી આપીએ અને તું જીવનમાં સુખી થાય એવી માતા-પિતા તરીકે અમારી લાગણી છે. આખરે ઉષા માની ગઈ અને અમે ઉષાનાં લગ્ન કરાવવા માટે સમાજમાં સારા છોકરાની તપાસ કરતા હતા.’
તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘સુરતમાં જ અમને એક દીકરા જેવો જમાઈ મળી ગયો. તુષાર પટેલ સુરતમાં જ રહે છે. તેમના છુટાછેડા થયા છે અને તેમને પણ એક દીકરો છે અને અમારી ઉષાના દીકરાને પણ તુષારકુમાર અપનાવવા તૈયાર હતા. ઉષાને પણ તુષારકુમાર પસંદ પડતાં અમે શુક્રવારે ૩૦૦ માણસોની હાજરીમાં તેમનાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં ઉષાના પિયરના તેમ જ અમારી ફૅમિલીના સભ્યો ઉપરાંત સમાજના આગેવાનો અને સગાંવહાલાને નિમંત્રણ આપ્યું હતું. સૌકોઈએ લગ્નમાં ઉપસ્થિત રહીને ઉષા અને તુષારકુમારને આશીર્વાદ આપ્યા હતા અને છોકરીની જેમ અમે ઉષાને તેના સાસરે વિદાય આપી હતી. આ સમયે સૌકોઈની આંખો ભરાઈ આવી હતી.’
દીપક પટેલે કહ્યું હતું કે ‘સમાજમાં જ્યારે આવો બનાવ બને અને ઉંમર ઓછી હોય ત્યારે વહુને દીકરી તરીકે ગણીને સારું પાત્ર શોધી તેને વળાવવી જોઈએ. છોકરી દુખી ન થવી જોઈએ.’ 

gujarat news surat