#SAVEકચ્છ: 15 દિવસમાં કોરોનાના પેશન્ટ્સનો આંકડો 54 પર પહોંચી ગયો

21 May, 2020 08:06 AM IST  |  Rajkot | Rashmin Shah

#SAVEકચ્છ: 15 દિવસમાં કોરોનાના પેશન્ટ્સનો આંકડો 54 પર પહોંચી ગયો

કચ્છ રેલવે સ્ટેશન

એક સમય હતો કે કચ્છમાં કોરોનાગ્રસ્ત માત્ર બે પેશન્ટ્સ જ હતા જે બન્ને પેશન્ટ્સની સારવાર કરવામાં આવી અને બન્ને પેશન્ટ્સ ટ્રીટમેન્ટ વચ્ચે કોરોનામુક્ત થઈ ગયા જેને લીધે કચ્છ કોરોનામુક્ત થયું, પણ એ પછી એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે કોરોના પેશન્ટ્સના આંકડામાં રીતસરનો બ્લાસ્ટ થયો અને છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના પેશન્ટ્સનો આંકડો પ૪ પર પહોંચી ગયો. કોરોના ફ્રી થયેલા કચ્છમાં સૌથી પહેલાં બે કોરોના પેશન્ટ્સથી નવેસરથી પેશન્ટ્સની શરૂઆત થઈ. તે બન્ને પેશન્ટ્સ પણ કચ્છના નહોતા એ પણ મહત્ત્વનું છે. મંગળવારે તો એક જ દિવસમાં કચ્છમાં નવા ૨૧ કેસ ઉમેરાયા.

અફસોસની વાત એ છે કે કચ્છના લોકોનું માનવું છે કે જિલ્લામાં ફેલાઈ રહેલો કોરોના બિનનિવાસી કચ્છીઓથી ફેલાઈ રહ્યો છે. આ વાત માત્ર હવામાં નથી, આંકડાઓ પણ એ જ કહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ટ્રાવેલિંગની પરવાનગી આપ્યા પછી ૧૫ દિવસમાં ૫૦,૦૦૦થી પણ વધુ બિનનિવાસી કચ્છીઓ કચ્છમાં આવ્યા છે. બહારથી આવેલા આ બિનનિવાસીઓમાંની ૪૦ વ્યક્તિને કોરોના પૉઝિટિવ આવ્યો છે. બહારથી આવી રહેલા આ બિનરહીશ કચ્છીઓના લીધે કચ્છમાં કોરોના ફેલાઈ રહ્યો છે એવું ધારીને કચ્છીઓ દ્વારા #SaveKutchh અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના વૉરિયર્સ તરીકે સેવા આપતા ગાંધીધામની સામાજિક સંસ્થા અભિવ્યક્તિના પ્રમુખ મનજી ખત્રી કહે છે, ‘કચ્છમાં કોરોનાને જાકારો આપી દીધા પછી પણ જે રીતે બહારથી લોકો આવે છે અને કોરોના પેશન્ટ્સ વધે છે એ દેખાડે છે કે આ રોગ હવે બહારથી આવે છે. ક્વૉરન્ટીનના નિયમોનું પાલન આ બિનરહેવાસી કચ્છીઓ પાળી નથી રહ્યા એનો જ આ પ્રૉબ્લેમ છે.’

ગઈ કાલે કચ્છમાં એક દિવસમાં ૧૭૦૦થી વધારે નવા લોકો બહારથી આવ્યા જેમને તાત્કાલિક ક્વૉરન્ટીનમાં લેવામાં આવ્યા, પણ એ ક્વૉરન્ટીનના નિયમોનું પાલન ન કરે તો એનો કોઈ અર્થ સરવાનો નથી.

ક્વૉરન્ટીનના શું છે નિયમ?

કચ્છની બહારથી આવનારાઓ માટે નિયમ બનાવવામાં આવ્યો છે કે તેણે ૧૪ દિવસ ફરજિયાત ક્વૉરન્ટીન રહેવું પડશે. આ ૧૪માંથી સાત દિવસ તેમણે સંસ્થાકીય ક્વૉરન્ટીનમાં રહેવાનું છે જે પૂરા થયા પછીના સાત દિવસ હોમ ક્વૉરન્ટીનમાં રહેવાનું છે. સંસ્થાકીય ક્વૉરન્ટીનમાં રહેવા માટે વ્યક્તિ દીઠ પ્રતિ દિવસ ૩૦૦થી ૭૦૦ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. સંસ્થાકીય ક્વૉરન્ટીનમાં રહેલા લોકો માટે સેવાકીય રીતે જોડાયેલા એક કચ્છી પોતાનું નામ નહીં આપવાની શરતે કહે છે, ‘બહારથી આવનારા મોટા ભાગના આ ક્વૉરન્ટીન પાળતા નથી. નીકળી જાય છે અને કાં તો બહાર ફરતા રહે છે જેને લીધે એવી પરિસ્થિતિ થઈ છે કે કોરોના બધે ફેલાય છે અને કચ્છ આખો જિલ્લો આજે હેરાનગતિમાં મુકાઈ ગયો છે.’ કચ્છીઓની આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એણે અત્યારે કચ્છીઓના જીવ અધ્ધરતાલ કરી દીધા છે.

ક્વૉરન્ટીનના નિયમો પાળવા ખૂબ જરૂરી છે. જો એ પાળવામાં નહીં આવે તો વ્યક્તિ પોતે જ નહીં, પોતાની ફૅમિલી માટે પણ જોખમ ઊભું કરે છે. કોઈએ ભૂલવું નહીં કે સૌથી પહેલાં તો કોરોનાનું ઇન્ફેક્શન પાસે રહેલી ફૅમિલીને જ લાગે છે એટલે ક્વૉરન્ટીનના નિયમોનું પાલન કરો.

- પ્રવીણા ડી.કે., કચ્છનાં કલેક્ટર

મોસ્ટ વેલકમ પણ...

#SaveKutchh અભિયાનનો હેતુ સમજાવતાં કચ્છના જાણીતા ઉદ્યોગપતિ વીરજી હુંબલ કહે છે, ‘આવવાની ના કોઈને નથી. કચ્છ તેમનું વતન છે અને તેમણે અહીં આવવાનું જ હોય, પણ અમારી એક માત્ર રિક્વેસ્ટ એટલી છે કે કચ્છ આવો એટલે જે કોઈ નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરો.’

kutch gujarat bhuj coronavirus covid19 lockdown Rashmin Shah