ભરશિયાળે માવઠું, કચ્છ-દ્વારકામાં કમોસમી વરસાદ

14 January, 2020 02:33 PM IST  |  gujarat

ભરશિયાળે માવઠું, કચ્છ-દ્વારકામાં કમોસમી વરસાદ

ગુજરાતમાં બે દિવસ કાતિલ કોલ્ડ વેવને કારણે હાડ થીજવતી ઠંડી પડી હતી. અમદાવાદનું તાપમાન ૧૦ ડિગ્રીની નીચે ગગડી ગયું હતું, પણ બે દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અમદાવાદમાં ગઈ રાત્રિએ લોકો ઠંડી ગાયબ થઈ ગઈ હોવાની બૂમો લગાવી હતી. વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. કચ્છ અને દ્વારકામાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે.

અમદાવાદમાં બે દિવસ સુધી ઠંડીમાં ઠૂંઠવાયા બાદ અમદાવાદમાં એકાએક ઠંડી ગાયબ થઈ ગઈ હતી. બે દિવસ બાદ ઠંડીમાં એકાએક ઘટાડો થતાં અમદાવાદીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧.૮ ડિગ્રી વધીને ૨૯.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૩.૨ ડિગ્રી વધીને ૧૫.૪ ડિગ્રી નોંધાયું હતું, જેને કારણે શહેરમાં શનિવાર કરતાં રવિવારે તાપમાન પાંચ ડિગ્રી વધતાં ઠંડી ગાયબ થઈ ગઈ હતી.

કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીતિ છે. જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકસાન થવાની શક્યતા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સોમવારે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં છાંટા પડ્યા હતા તો જામનગર, પડધરી, દ્વારકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડતાં જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બસ-સ્ટૅન્ડ, ટાવરચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ગાઢ ધુમ્મસ અને બીજી તરફ વરસાદથી ખેડૂતો પર પડ્યા પર પાટુ સમાન સ્થિતિ સર્જાઈ છે.

mumbai weather gujarat kutch dwarka