05 July, 2023 10:28 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં હજી તો વરસાદે માંડ પોરો ખાધો ત્યાં જ ફરી ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૬, ૭ અને ૮ જુલાઈએ વલસાડ, ગીર સોમનાથ, અમરેલી સહિતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એક્સ્ટ્રીમલી હેવી રેઇન થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયાને કહ્યું હતું કે ‘આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ પડશે. એમાં ૬ જુલાઈથી વરસાદ વધવાની સંભાવના છે. ૬, ૭ અને ૮ જુલાઈએ હેવી રેઇનફૉલની સંભાવના છે. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હેવી રેઇનફૉલ થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં હેવીથી એક્સ્ટ્રીમલી હેવી રેઇન પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વલસાડ, ગીર સોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. એ સિવાય કેટલીક જગ્યાએ હેવીથી વેરી હેવી રેઇન પડી શકે છે.’
ઉલ્લેખની છે કે ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ૭૧ મિમી એટલે કે લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં પડ્યો હતો, જ્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ૫૪ મિમી એટલે કે બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત અમરેલી, વલસાડ, નવસારી, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, પોરબંદર, છોટાઉદેપુર સહિતના જિલ્લાના કેટલાક તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી જોતા ૬, ૭ અને ૮ જુલાઈએ શક્ય હોય તો અમદાવાદમાં આવવાનું ટાળવું જોઈએ. વળી, હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વહિવટીતંત્ર પણ બચાવ કામગીરી માટે સજ્જ થયું છે.