'મગફળી કાંડમાં કોંગ્રેસ પાસે પુરાવા હોય તો આપે': નીતિન પટેલ

23 June, 2019 03:24 PM IST  |  ગાંધીનગર

'મગફળી કાંડમાં કોંગ્રેસ પાસે પુરાવા હોય તો આપે': નીતિન પટેલ

મગફળી કૌભાંડ મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ

કચ્છના ગાંધીધામમાં આવતા શાંતિ ગોડાઉનમાં ખેડૂતોએ દરોડા પાડતા મગફળીના બારદાનમાંથી ધૂળ અને ઢેફા નીકળ્યા હતા. જે મામલા રાજનીતિ ચાલુ થઈ ગઈ છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણી એ આક્ષેપ લગાવ્યો છે કે, ‘સરકારના મળતિયાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. આ કૌભાંડમાં બીજેપીના મળતિયાઓ જોડાયેલા છે.’ ધાનાણીએ આટલેથી ન અટકતાં ત્યાં સુધી કહ્યું કે મગફળી કૌભાંડના તાર ચીફ મિનિસ્ટર (સીએમ) ઑફિસ સુધી જોડાયેલા છે.

તપાસની ધાનાણીએ કરી માંગ
ધાનાણીએ હાઈ કોર્ટના જજની અધ્યક્ષતા હેઠળ તપાસ થાય એવી માગણી કરતાં ધાનાણીએ કહ્યું કે ‘જો મગફળી કાંડની તટસ્થ તપાસ થાય તો મગફળીકાંડના તાર મુખ્ય પ્રધાનના કાર્યાલય સુધી જાય એવી પૂરતી શક્યતા છે. મગફળીકાંડમાં ચોકીદાર જ ચોર છે.'

નીતિન પટેલે આપ્યો જવાબ
ધાનાણીના આક્ષેપોનો નાયબ મુખ્યમંક્ષી નીતિન પટેલે જવાબ આપ્યો. નીતિન પટેલે કહ્યું કે, 'કોંગ્રેસને તો બોલીને જતા રહેવાનું છે. જો મુખ્યમંત્રી સાથે કૌભાંડના તાર જોડાયેલા હોય તો મને તેઓ કાલે જ ગાંધીનગર આવીને મળે અને વિગતો આપે, મુખ્યમંત્રીને મળે. આવી રીતે આક્ષેપો કરીને છટકી જવું કોઈ જવાબદાર વિરોધ પક્ષનું કામ ન હોય. તેમની પાસે જે કોઈ પણ પુરાવા કે માહિતી હોય તે આપે. પણ આનાથી ઉલ્ટું તેઓ દેખાતા જ બંધ થઈ ગયા છે. તેમની વાત અમને મીડિયાના માધ્યમથી ખબર પડે છે.'

આ પણ વાંચોઃ મગફળીકાંડના તાર CM ઑફિસ સુધી જોડાયેલા , ચોકીદાર પોતે જ ચોર: પરેશ ધાનાણી

નાફેડે શું કહ્યું?
નેતા વિપક્ષના આરોપો અને કચ્છના મગફળી કૌભાંડ વિશે નાફેડના વાઈસ ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે આ ઘટના 2017ની છે. કોંગ્રેસ ખોટી રીતે આક્ષેપો રહી છે. કોંગ્રેસ ખોટી રીતે હોબાળો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી.

Nitin Patel Paresh Dhanani