અમદાવાદ મૅરથૉનમાં છવાયો અણ્ણા-ફીવર

26 December, 2011 05:16 AM IST  | 

અમદાવાદ મૅરથૉનમાં છવાયો અણ્ણા-ફીવર

 

ભ્રષ્ટાચારની મૅરથૉન દોડ સામે અણ્ણા હઝારેનો સંદેશો ફેલાવવા અમદાવાદી સમર્થકો મૅરથૉનમાં ઊમટી પડ્યા હતા. ગઈ કાલે વહેલી સવારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી મૅરથૉનનો લીલી ઝંડી બતાવીને શુભારંભ કર્યો હતો. આ મૅરથૉનમાં અણ્ણા હઝારેના સમર્થકો માથે અણ્ણાટોપી, હાથમાં તિરંગો અને બૅનરો લઈને જોડાયા હતા તેમ જ વન્દે માતરમના નારા લગાવ્યા હતા. ભ્રષ્ટાચાર સામે નાગરિકો લડતાં શીખે એ હેતુ અણ્ણા હઝારેના સમર્થકોનો હતો. દેશભક્તિનાં ગીતો પર અણ્ણા હઝારેના સમર્થકોએ મન મૂકીને ડાન્સ પણ કર્યો હતો.

મોદીએ વધાર્યો રનર્સનો ઉત્સાહ

અમદાવાદમાં ગઈ કાલે વહેલી સવારે સાબરમતી નદીના તટે રિવરફ્રન્ટ પરથી ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી મૅરથૉનમાં ભાગ લઈ રહેલા ૧૦,૦૦૦થી વધુ રનર્સને લીલી ઝંડી લહેરાવીને દોડાવ્યા હતા. સાબરમતી મૅરથૉન દોડનું પ્રસ્થાન કરાવતાં નરેન્દ્ર મોદીએ મૅરથૉન દોડ નગરનું ગૌરવ થાય એવો નાગરિકો અને યુવાશક્તિનો ઉત્સવ બનશે એવો વિfવાસ વ્યક્ત કર્યો હતો.

આ દોડમાં શારીરિક ક્ષતિ હોવા છતાં વિશેષ શક્તિ ધરાવતા શારીરિક રીતે અક્ષમ લોકો પણ ખૂબ જ ઉત્સાહથી જોડાયા એને આવકારતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રમવું એ જ આપણી ખેલદિલીની ભાવના છે. તેમણે મૅરથૉન દોડથી નગર આખું દોડતું થાય અને યુવાશક્તિના મિજાજ સાથે નગરનું ગૌરવ વધે અને ખેલદિલીની ભાવનાથી થાય એવું વાતાવરણ સર્જવા પર ભાર મૂક્યો હતો અને ભવિષ્યમાં મૅરથૉન રનના વ્યવસ્થાપનની જવાબદારી નાગરિકોની સમિતિ ઉપાડી લે એવું સૂચન કયુંર્ હતું.


કાંકરિયા કાર્નિવલના ભાગરૂપે યોજાયેલી આ સાબરમતી મૅરથૉનમાં ફુલ મૅરથૉન, હાફ મૅરથૉન, ડ્રીમ-રન અને શારીરિક રીતે અક્ષમ લોકો તથા જોઈ ન શકતા લોકોની દોડસ્પર્ધાઓથી સાબરમતી નદીના પટનું પ્રભાત હજારો નાગરિકોના ઉત્સાહથી હેલે ચડ્યું હતું. મૅરથૉનમાં ૧૦૭ જેટલા વિદેશી સ્પર્ધકો અને ૧૦,૦૦૦ જેટલા સ્પર્ધકો સહિત આબાલવૃદ્ધ બધા ઉમળકાથી દોડ્યા હતા.