સસ્તામાં ઘરનું કૉન્ગ્રેસનું પ્રૉમિસ મોદીની વોટબૅન્કમાં પાડશે ગાબડું?

21 August, 2012 02:46 AM IST  | 

સસ્તામાં ઘરનું કૉન્ગ્રેસનું પ્રૉમિસ મોદીની વોટબૅન્કમાં પાડશે ગાબડું?

અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં આસમાનને આંબેલી મકાનોની કિંમતને કારણે ગરીબ, મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને ઘર લેવાનું હાલના તબક્કે એક સપનું બની ગયું છે ત્યારે જમીનની કિંમત માફ કરી હપ્તેથી મકાન આપવાની ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવેલી ‘ઘરનું ઘર’ની યોજનાને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે અને ગઈ કાલે યોજાયેલા ફૉર્મ-વિતરણમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં મહિલાઓએ ભારે ધસારો કર્યો હતો.

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસે આ યોજનાનાં ફૉર્મનું વિતરણકાર્ય અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ભુજ અને પાટણ સહિતનાં ગુજરાતનાં નાનાં-મોટાં શહેરોમાં કૉન્ગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૫૬૦ કેન્દ્રો પરથી  ૨૮ લાખ ફૉર્મનું વિતરણ થયું હતું. અમદાવાદના ઘાટલોડિયા, નારણપુરા, ખાડિયા, ઘીકાંટા, કાળુપુર, વસ્ત્રાપુર અને મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં સવારથી જ મહિલાઓએ ફૉર્મ મેળવવા લાંબી લાઇનો લગાવી દઈને ફૉર્મ મેળવવા પડાપડી કરી હતી. એને કારણે ફૉર્મ-વિતરણનો સમય લંબાવવો પડ્યો હતો. અમદાવાદમાં ચાંદખેડામાં ફૉર્મ-વિતરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે જમીનોના ભાવ તેમ જ જંત્રીના ભાવ અને બિલ્ડરોએ બાંધેલાં મકાનોના ભાવ આમઆદમીની ખરીદશક્તિની પહોંચની બહાર છે. ગુજરાતના મુખ્ય પ્રધાને ઉદ્યોગપતિઓને ૧૫ પૈસાથી લઈને એક રૂપિયા સુધીના ભાવે લાખ્ખો એકર જમીન પાણીના ભાવે પધરાવી દીધી છે જ્યારે ગરીબો માટે મકાન બાંધવા તેમણે જમીનો નથી ફાળવી.

કૉન્ગ્રેસની યોજનાને કઈ રીતે મળ્યો આટલો જોરદાર પ્રતિસાદ?

ગુજરાત કૉન્ગ્રેસની ‘ઘરનું ઘર’ આપવાની જાહેરાતને ગુજરાતમાં વ્યાપક આવકાર મળ્યો અને ગઈ કાલે ફૉર્મ વિતરણ થતાં કૉન્ગ્રેસનો આ મુદ્દો સફળ રહ્યો એની પાછળ ઘણાં કારણો જવાબદાર છે.

ગુજરાતમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની અગણિત જમીનો પડી રહી છે, પણ મકાનો બાંધવાની પ્રવૃત્તિ ઠપ.

આની સામે ગુજરાત કૉન્ગ્રેસે ‘ઘરનું ઘર’ની જે યોજના જાહેર કરી છે એમાં મહિલાઓને જે મકાન આપશે એની જમીનની કિંમત સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. મકાનધારકને માત્ર બાંધકામની રકમ ચૂકવવાની અને એ માર્જિન મની સિવાય ૧૫ વર્ષના ઓછા વ્યાજના હપ્તાથી.

ફૉર્મ માટે વડોદરામાં વીસ હજાર મહિલાઓએ દેકારો બોલાવ્યો

ગુજરાત કૉન્ગ્રેસ દ્વારા ગુજરાતમાં લાગુ કરવામાં આવેલી ‘ઘરના ઘર’ યોજનાનાં ફૉર્મ લેવા માટે ગઈ કાલે વડોદરામાં એવો તો દેકારો બોલી ગયો કે મહિલાઓ એકમેકને મારવા માંડી હતી. કૉન્ગ્રેસે કોઈ પ્રકારની સિક્યૉરિટી-વ્યવસ્થા રાખી ન હોવાથી તેમને અટકાવનારું પણ કોઈ નહોતું. ફૉર્મ ખાલી થઈ જશે એ બીકે મહિલાઓ ધક્કામુક્કી કરવા લાગી હતી અને એકમેકને ચંપલથી માર પણ માર્યો હતો. રાવપુરા ચાર રસ્તા પાસે આવેલા ડાંડિયા બજારમાં આવેલી ગુજરાત કૉન્ગ્રેસની ઑફિસે થયેલી આ અવ્યવસ્થા માટે ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્નભાઈ મોઢવાડિયાએ કહ્યું હતું કે જે અવ્યવસ્થા સર્જાઈ એ દિલગીરીરૂપ છે, પણ જે રિસ્પૉન્સ મળ્યો છે એ અદ્ભુત છે.

ગઈ કાલે વડોદરા કાર્યાલયે ૨૦,૦૦૦થી વધુ મહિલાઓ એકઠી થઈ હતી, જેને સાચવવાનું કામ અઘરું થઈ જતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. મહિલાઓને કાબૂમાં લેવા માટે બે કલાક સુધી ફૉર્મ-વિતરણ અટકાવી દેવામાં આવ્યું હતું.

ઇલેક્શન-કૅમ્પેનના ભાગરૂપે કૉન્ગ્રેસે ગુજરાતમાં અમલમાં મૂકેલી ‘ઘરનું ઘર’ યોજનાનાં ફૉર્મનું વિતરણ રક્ષાબંધનના દિવસથી કરવામાં આવ્યું હતું, પણ એ ફૉર્મમાં સિરિયલ-નંબર ન હોવાથી ફૉર્મની ઝેરોક્સ માર્કેટમાં ફરવા લાગતાં કૉન્ગ્રેસ પાર્ટીએ નવેસરથી ફૉર્મ-વિતરણની વ્યવસ્થા ઊભી કરવી પડી, જે ગઈ કાલથી ત્રણ દિવસ માટે શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસમાં કૉન્ગ્રેસ ૨૦,૦૦,૦૦૦ ફૉર્મ વિતરણ કરવાનું આયોજન કર્યું હતું, પણ આ યોજનાને જબરદસ્ત રિસ્પૉન્સ મળતાં ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ૧૧,૦૦,૦૦૦ ફૉર્મનું વિતરણ થયું હતું.