ગીરમાં લાયન્સ કેટલા?

15 December, 2019 09:27 AM IST  |  Mumbai Desk | shailesh nayak

ગીરમાં લાયન્સ કેટલા?

અમદાવાદ : ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ગીરના એશિયાટિક લાયનની આગામી વર્ષે હાથ ધરાનારી વસ્તીગણતરીમાં વન વિભાગ દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી પહેલી વાર સાયન્ટિફિક વસ્તીગણતરી કરવામાં આવશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ તાજેતરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં આ સંદર્ભે નિર્ણય લેવાયો છે. સિંહોની વસ્તીગણતરી માટે જે નિર્ણય કરાયો છે એ મુજબ અગામી ૨૦૨૦ના વર્ષમાં જ્યારે ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરાય ત્યારે વાઘની વસ્તીગણતરીના જે નૅશનલ પ્રોટોકૉલ છે એ અંતર્ગત ડિજિટલ ફોટો ઍનૅલિસિસ તથા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી પ્રથમ વાર સાયન્ટિફિક વસ્તીગણતરી હાથ ધરવામાં આવશે.
ગીરમાં જેમ સિંહોની વસ્તી વધુ છે એમ ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં રીંછની વસ્તી પણ વધુ છે એથી વાઇલ્ડ લાઇફ ટૂરિઝમમાં રીંછની વધુ સંખ્યા ધરાવતા વિસ્તારોને પણ આવરી લેવામાં આવે એ માટે પ્રવાસન અને વન વિભાગ સાથે મળીને સંકલન કરે એ માટે આ બેઠકમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગીર ઉપરાંત અમરેલી, ભાવનગર, જૂનાગઢ, શેત્રુંજય જેવા રેવન્યુ વિસ્તારમાં પણ સિંહોનો વસવાટ છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં હાલમાં સિંહોની સંખ્યા ૬૫૦ને પાર પહોંચી ગઈ છે. દર પાંચ વર્ષે ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી થાય છે ત્યારે ૨૦૧૫માં સિંહોની વસ્તીગણતરી થઈ હતી એમાં સિંહોની સંખ્યા ૫૨૩ નોંધાઈ હતી. આ અગાઉ ૨૦૧૦માં થયેલી સિંહોની વસ્તીગણતરીમાં સિંહોની વસ્તી ૪૧૧ નોંધાઈ હતી. ૨૦૧૫માં સાસણ ગીરમાં થયેલી વસ્તીગણતરીમાં જૂનાગઢ જિલ્લામાં ૨૬૮ સિંહો, ગીર સોમનાથ જિલ્લામાં ૪૪ સિંહો, અમરેલી જિલ્લામાં ૧૭૪ સિંહો અને ભાવનગર જિલ્લામાં ૩૭ સિંહો નોંધાયા હતા.

રંગ છાંટવામાં આવતો હતો
જૂનાગઢમાં સિંહોની વસ્તીગણતરી ઘણા લાંબા સમયથી ચાલે છે. આ વખતે ભલે પ્રથમ વખત સાયન્ટિફિક રીતે વસ્તીગણતરી કરવામાં આવવાની હોય, પરંતુ અગાઉ આવી કોઈ વ્યવસ્થા નહોતી એથી જંગલ ખાતાના કર્મચારીઓ સિંહો પર થોડા દિવસોમાં ચાલ્યો જાય એવો રંગ છાંટતા હતા અને એ રીતે વસ્તીગણતરી કરવામાં આવતી હતી.

national news Places to visit in gujarat gujarat