ગાંધીના ગુજરાતમાં દારૂનો સૌથી વધુ વપરાશ, ઘરે-ઘરે દારૂ પીવાય છે : ગેહલોત

08 October, 2019 10:19 AM IST  |  મુંબઈ ડેસ્ક

ગાંધીના ગુજરાતમાં દારૂનો સૌથી વધુ વપરાશ, ઘરે-ઘરે દારૂ પીવાય છે : ગેહલોત

વિજય રૂપાણી

જયપુર : (જી.એન.એસ.) દારૂબંધી પર રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યું કે તેનો એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતે કહ્યું કે, આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી.

રાજસ્થાનમાં દારૂબંધીની માગ પર રાજ્યના મુખ્ય પ્રધાને કહ્યુ કે તેઓ તેના સમર્થક છે પરંતુ જ્યાં સુધી કડક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં તેનો કોઈ અર્થ નથી. ગેહલોતે તેના માટે ગુજરાતનું ઉદાહરણ આપતાં કહ્યું કે આઝાદી બાદથી જ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સ્થિતિ એવી છે કે ત્યાં સૌથી વધુ તેની ખપત છે અને ઘરે-ઘરે દારૂ પીવાય છે.

નોંધનીય છે કે રાજસ્થાનમાં ઘણા લાંબા સમયથી દારૂબંધીની માગ થતી રહી છે. આ મામલામાં પત્રકારોના એક સવાલના જવાબમાં મુખ્ય પ્રધાને કહ્યું કે, વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. તેની પર એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો અને પ્રતિબંધ હટાવી દેવાયો.
ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલતાં આંકડા મુજબ છેલ્લાં ૨ વર્ષમાં ૧.૩૨ લાખથી વધુ દેશી દારૂ પકડાવાના કેસો થયા છે. તો છેલ્લાં ૨ વર્ષમાં ૨૯,૯૮૯ કેસ વિદેશી દારૂ પકડવાના પણ સામે આવ્યા છે. ગુજરાતમાં રોજના સરેરાશ ૨૨૨ દારૂ પકડાવાના બનાવો સામે આવે છે. દારૂ પકડાવાના સૌથી વધુ બનાવો સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં છેલ્લાં ૨ વર્ષમાં કુલ ૧૯,૬૮૯ બનાવો નોંધાયા છે. તો અમદાવાદમાં ૨ વર્ષમાં કુલ ૧૨,૪૨૮ બનાવો નોંધાયા છે.

ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા કહ્યા : રૂપાણી
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે કૉન્ગ્રેસના લોકોને ગાંધી ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી. રાજસ્થાનની જનતા દારૂબંધી ઇચ્છતી હતી, કૉગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું છે. અશોક ગેહલોતે તમામ ગુજરાતીઓની માફી માગવી જોઈએ. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે ‘ચૂંટણીઓમાં હારના કારણે ગેહલોત આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે. કૉન્ગ્રેસને સરદાર કે ગાંધીજી ગમતા નથી અને ગુજરાતીઓને દારૂડિયા કહ્યા છે. જેથી ગુજરાત કૉગ્રેસને ક્યારેય માફ નહીં કરે. એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉન્ગ્રેસ હારી ગયા પછી કૉન્ગ્રેસને કળ વળી નથી. બધા કૉન્ગ્રેસીઓની જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયાં છે.’

મોરબીમાં પણ દૂધ કરતાં વધુ દારૂ વેચાય છેઃ બ્રિજેશ મેરજા
કૉન્ગ્રેસી ધારાસભ્ય લલિત કગથરાએ ગેહલોતનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સાચી વાત કરે તો દેશદ્રોહી ન ગણવા જોઈએ. અશોક ગેહલોતને માફી માગવાની કોઈ જ જરૂર નથી. રાજસ્થાનના મુખ્ય પ્રધાને ગુજરાતીઓને દારૂડિયા કહ્યા છે, ત્યારે ગુજરાત કૉન્ગ્રેસના નેતાઓ વિરોધ કરવાના બદલે ગેહલોતના બોલ બોલી રહ્યા છે. તો બીજી તરફ બ્રિજેશ મેરજાએ પણ કહ્યું કે રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ પણ તેનું કડક પાલન નથી થતું. બ્રિજેશ મેરજાએ કહ્યું કે મોરબીમાં તો દૂધ કરતાં દારૂ વધુ વેચાય છે.

Vijay Rupani Ashok Gehlot gujarat