ગુજરાતભરમાં હાર્દિક માટે લાગ્યાં પોસ્ટર Gabbar Is Back

14 July, 2016 03:07 AM IST  | 

ગુજરાતભરમાં હાર્દિક માટે લાગ્યાં પોસ્ટર Gabbar Is Back

રશ્મિન શાહ

શુક્રવારે સુરતની લાજપોર જેલમાંથી જામીન પર બહાર આવી રહેલા હાર્દિક પટેલને વધાવવા માટે પાટીદારોમાં જબરદસ્ત થનગનાટ જોવા મળ્યોછે. એ થનગનાટ વચ્ચે ગઈ કાલે આખા ગુજરાતમાં હાર્દિકને વધાવતાં પોસ્ટર લાગ્યાં જેના પર લખ્યું છે : ગબ્બર ઇઝ બૅક. આ પોસ્ટરની સૌથી વધુ માત્રા સુરતમાં છે. અંદાજે દોઢસો જેટલાં પોસ્ટર પાટીદારોની બહુમતી ધરાવતી સોસાયટીઓમાં જોવા મળ્યાં છે.

સ્વયંભૂ રીતે લાગેલાં અને એમ છતાં પણ એકસરખી રીતે લાગેલાં આ પોસ્ટર પાછળ નક્કી પાટીદાર આંદોલન સમિતિ જવાબદાર છે એવું ગુજરાત સરકારનું માનવું છે. જોકે ગુજરાત સરકાર હવે કોઈ ઍક્શન લેવાના મૂડમાં નથી. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય રૂપાણીએ પણ ગુજરાતભરમાં લાગેલાં પોસ્ટર વિશે વાત કરવાની ના પાડતાં કહ્યું હતું કે અનામતનો મુદ્દો ગુજરાતમાં પૂરો થઈ ગયો છે અને મધ્યસ્થી બનેલા પાટીદારોએ એ સ્વીકારી લીધું છે એટલે આ વિષય પર હવે ચર્ચા કરવાનું રહેતું નથી.

શુક્રવારે સુરતમાં આનંદીબહેન પટેલ પણ કૉર્પોરેશનના કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી સુરતમાં હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે એ નક્કી છે. જોકે હાર્દિકના પરિવારે કહ્યું હતું કે હાર્દિક આના વિશે કશું જાણતો નથી અને તે એવું કંઈ ઇચ્છતો પણ નથી.