રાજકોટની મૅચ શા માટે હાર્દિકના ટાર્ગેટ પર છે?

06 October, 2015 03:33 AM IST  | 

રાજકોટની મૅચ શા માટે હાર્દિકના ટાર્ગેટ પર છે?




રશ્મિન શાહ


૧૮ ઑક્ટોબરે રાજકોટમાં રમાનારી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઇટ મૅચ જોવા માટે ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ રાજકોટ આવવાનાં છે અને આખી મૅચમાં હાજર રહેવાનાં છે. એવા સમયે પાટીદાર મુખ્ય પ્રધાન સામે પોતે શક્તિપ્રદર્શન કરી શકે અને મૅચમાં પાટીદારો અનામતની માગણી કરે એવા હેતુથી હાર્દિક પટેલે રાજકોટની મૅચને ટાર્ગેટ બનાવી છે. હાર્દિક પટેલે ‘મિડ-ડે’ પાસે આ વાત કબૂલ પણ કરી હતી અને કહ્યું હતું કે ‘આનંદીબહેન ક્યારેય આર્થિક રીતે નબળા પાટીદારોની રજૂઆત સાંભળવા બહાર નથી આવવાનાં તો પછી શું કામ અમે એવું કોઈ જાહેર ફંક્શન ન પકડીએ જેમાં તેમની હાજરી હોય અને અનામત માગનારાઓની બહુમતી હોય. રાજકોટની મૅચમાં એ જ થશે અને આનંદીબહેન પટેલની હાજરીમાં હજારો પાટીદારો અનામતના નારા લગાવશે.’

રાજકોટમાં રમાનારી મૅચ એક જાહેર ફંક્શન છે. આ જાહેર ફંક્શનમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘આનંદીબહેન પટેલ માટે એ એક મૅચ છે તો અમારા માટે આ મૅચ એ અમારો અવાજ પહોંચાડવાનું સ્થળ છે. જો શક્ય બનશે તો અમે ચાલુ મૅચે એક વખત એવી સિચુએશન ઊભી કરી દઈશું કે કૉમેન્ટ્રી પણ કોઈને ન સંભળાય અને માત્ર ‘જય સરદાર’ અને અનામતતરફી સૂત્રો જ બધાને સંભળાય.’

ગુજરાત સ્ટેટના ઇન્ટેલિજન્સ બ્યુરોના એક અધિકારી સાથે વાત કરતાં તેમણે ‘મિડ-ડે’ને ઑફ ધ રેકૉર્ડ કહ્યું હતું કે જો પાટીદાર અનામત આંદોલન સમિતિ આવું કોઈ સ્ટેપ લેશે તો એની બહુ મોટી અસર ગુજરાત સરકાર પર પડશે. અત્યારે એવું છે કે પાટીદાર મહિલાઓને કારણે પાટીદાર નેતાઓ જાહેરમાં જતાં ડરે છે, પણ જો મૅચ દરમ્યાન પાટીદારો છવાઈ જશે તો મુખ્ય પ્રધાન પણ આ પ્રકારના ફંક્શનમાં જતાં પહેલાં ખચકાટ અનુભવશે.