હૉલનાં ભાડાંમાં થયેલા વધારા સામે કલાકારોનું અનોખું વિરોધપ્રદર્શન

21 December, 2011 09:14 AM IST  | 

હૉલનાં ભાડાંમાં થયેલા વધારા સામે કલાકારોનું અનોખું વિરોધપ્રદર્શન



અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ટાઉન હૉલ અને ટાગોર હૉલનાં ભાડાંમાં કરવામાં આવેલા ડબલ વધારા સામે અમદાવાદના કલાકારોએ ગઈ કાલે અનોખા દેખાવો તરીકે અમદાવાદના જાહેર માર્ગો પર પર્ફોર્મન્સ કરીને ભાડાવધારા સામે વિરોધ નોંધાવતાં શહેરીજનો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત શહેરના બે હૉલમાં સત્તાવાળાઓએ ૨૦૦૦થી ૫૦૦૦ રૂપિયા સુધીનો શિફ્ટદીઠ વધારો કરતાં અમદાવાદના કલાકારોએ એનો વિરોધ કર્યો હતો. અંદાજે ૧૦૦થી વધુ કલાકારોએ ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની મુખ્ય કચેરીની બહાર જાહેરમાં ગીત-સંગીત તેમ જ નાટક દ્વારા પર્ફોર્મન્સ કરીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કલાકારોએ જાહેરમાં ગીત-સંગીતની જમાવટ કરીને શહેરીજનોને મનોરંજન પૂરું પાડવા સાથે તેમની વ્યથા-કથા વ્યક્ત કરી હતી.

બંકિમ પાઠક, રાજુ મહિડા, વર્ષા કુલકર્ણી, મોહસિન શેખ, શશિકાન્ત શાહ સહિતના કલાકાર-કસબીઓના પ્રતિનિધિમંડળે અમદાવાદના મેયર હસિત વોરા જેઓ પોતે પણ ગાયક કલાકાર છે અને મુકેશના અવાજમાં ગીતો ગાય છે તેમને મળીને હૉલનો ભાડાવધારો પાછો ખેંચવા રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું.

અમદાવાદના કલાકારો સાથે કલાકાર-બેલડી મહેશ-નરેશે પણ હૉલનાં ભાડાંના વધારા સામે થઈ રહેલા વિરોધમાં પોતાનો સૂર પુરાવ્યો હતો અને મેયરને એક પત્ર પાઠવીને હૉલનો ભાડાવધારો પાછો ખેંચવા માટે અપીલ કરી હતી.