ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત

18 September, 2020 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત

કેશુભાઈ પટેલ

ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ (Keshubhai Patel) કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટનો કોરોના રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે. હાલ કેશુભાઈ પટેલ ગાંધીનગર ખાતે તેમના ઘરે જ ક્વોરન્ટીન છે.

મળતી માહિતી પ્રમાણે, હાલ કેશુભાઈની તબીયત એકદમ સારી છે. તેઓ પોતાના નિવાસસ્થાને જ ડૉક્ટરને બોલાવીને સારવાર લઈ રહ્યા છે. હાલ તેમની તબિયત અંગે ચિંતાનું કોઈ કારણ નથી. પર્સનલ આસિસ્ટન્ટ સ્વેતલનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ કેશુભાઈએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વૉરન્ટીન થયા છે.

ઉલ્લેખનીય છે કે, કેશુભાઈ પટેલ વર્ષ 1995 અને વર્ષ 1998થી 2001  સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહી ચુક્યા છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. 1945માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ચોથી ઓગસ્ટ 2012ના રોજ કેશુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે GPP એટલે કે, 'ગુજરાત પરિવર્તન પાર્ટી' નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપામાં વિલિનીકરણ થયું હતું. 2014માં જ કેશુભાઈએ ખરાબ તબીયતને પગલે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યારસુધીમાં 15 ધારાસભ્ય, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પૂર્વ કેન્દ્રીયપ્રધાન ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત 21 નેતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.

coronavirus covid19 gujarat Gujarat BJP