કેશુભાઈને ઇલેક્શનમાં જીતવાનો ૧૦૦ ટકા વિશ્વાસ

03 November, 2012 09:46 PM IST  | 

કેશુભાઈને ઇલેક્શનમાં જીતવાનો ૧૦૦ ટકા વિશ્વાસ



ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા સક્ષમ પક્ષ તરીકે ઊભરી રહેલા ગુજરાત પરિવર્તન પાર્ટીના વડા કેશુભાઈ પટેલે ગઈ કાલે તેમની પાર્ટી સ્પષ્ટ બહુમત સાથે સરકાર રચશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઈ કાલે તેમણે વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ગુજરાતભરમાંથી ૧૧૫૯ અરજીઓ મળી હોવાનું કહ્યું હતું. કેશુભાઈએ એમ પણ કહ્યું હતું કે બીજેપીમાં જે ધારાસભ્ય, કાર્યકર, નેતા કે ઉમેદવારને ટિકિટ નહીં અપાય તેમને ગુજરાત પરિવર્તન પાર્ટીમાં એન્ટ્રી નહીં મળે. ગુજરાત પરિવર્તન પાર્ટીની સરકાર રચાશે તો કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બનશે.

કેશુભાઈ પટેલે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં એક પ્રેશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે ‘બીજેપીના જે ધારાસભ્ય કે કાર્યકરને ટિકિટ નહીં મળે અને તેઓ અમારે ત્યાં આવે એવી વાત અમારી પાર્ટીમાં નથી. અમે એમ ટિકિટ નહીં ફાળવીએ. જોકે રેર કેસમાં શક્તિશાળી અને સાચા માણસ તેમ જ સમાજને ઉપયોગી વ્યક્તિ હશે તેને લઈશું. કેશુભાઈ પટેલે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે અમારી પાર્ટીને આ ચૂંટણીમાં બહુમતી ચોક્કસ મળશે.

કેશુભાઈ પટેલે તેમની પાર્ટીના ઉમેદવારના માપદંડ વિશે કહ્યું હતું કે સેવાભાવી, કામ કરવાની તમન્ના ધરાવતા, સ્થાનિક લોકોની સ્વીકૃતિ હોય તેવા સારા માણસને ઉમેદવાર બનાવીશું.

ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રદેશ મહામંત્રી ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે ‘અમે પરિવર્તન જોઈ રહ્યા છીએ. અમારી પાર્ટીને બહુમતી મળશે અને કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બનશે. અમે પ્રજામાંથી સારા લોકોને આહ્વાન કરીએ છીએ કે આ પ્રજાની પાર્ટી છે માટે ગુજરાતના નાગરિકોમાંથી જે લોકો ઉમેદવાર બનવા ઇચ્છુક હોય તેમને ખુલ્લા મને જાહેર નિમંત્રણ આપીએ છીએ.’

૮૪ વર્ષના કેશુબાપાની સ્ફૂર્તિનું રહસ્ય પ્રાણાયામ

૮૪ વર્ષની ઉંમરે પણ ૩૫ દિવસ સુધી ભારે સ્ફૂર્તિ સાથે સમગ્ર ગુજરાતમાં યાત્રા કરનાર ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ કેશુબાપાની સ્ફૂર્તિનું રહસ્ય પ્રાણાયામ છે. ‘બાપા’ના હુલામણા નામે ઓળખાતા કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે યાત્રા દરમ્યાન સવારે સાડાપાંચ વાગ્યે ઊઠીને પંચાવન મિનિટ સુધી પ્રાણાયામ કરતો હતો જેથી સ્ફૂર્તિમાં રહેવાય. તેમણે કહ્યું હતું કે હું અનુલોમ વિલોમ અને કપાલભાતી સહિતનાં સાત આસનો કરતો હતો જેથી યાત્રા દરમ્યાન કોઈ તકલીફ નહોતી પડી. ભગવાનની કૃપા છે. સવારે ૯ વાગ્યે નીકળી જતો અને રાત્રે ૧૧.૩૦ વાગ્યે વિરામ કરતો જેથી ઊંઘ આવી જતી હતી.

કેશુબાપાએ પરિવર્તન વેબ ચૅનલ લૉન્ચ કરી

ગુજરાત પરિવર્તન પાર્ટીએ ગઈ કાલે ‘પરિવર્તન વેબ ચૅનલ’ લૉન્ચ કરી હતી. ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રદેશ મહામંત્રી ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે આ વેબ ચૅનલ પરથી દરરોજ બપોરે ત્રણ વાગ્યે અને રાત્રે આઠ વાગ્યે સમાચારો પ્રસારિત થશે. gpptv.in વેબ ચૅનલ પર સમાચાર જોવા મળશે.