ગુજરાતી ડાયરામાં થાયાં 3, 94, 18, 010 રૂપિયા એકઠાં

20 October, 2016 03:20 AM IST  | 

ગુજરાતી ડાયરામાં થાયાં 3, 94, 18, 010 રૂપિયા એકઠાં



રશ્મિન શાહ

ઉડીમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના લાભાર્થે હૉન્ગકૉન્ગના કાઠિયાવાડી મિત્રમંડળ દ્વારા હોટેલ મૅરિયટમાં શનિવારે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં કાઠિયાવાડીઓએ દિલ ખોલીને ઉછામણી કરી હતી, જેને લીધે ૩,૯૪,૧૮,૧૦૧ રૂપિયા એકત્રિત થયા હતા. એકઠું થયેલું આ ફન્ડ હૉન્ગકૉન્ગસ્થિત ભારતના ઍમ્બૅસૅડરને આપવામાં આવ્યું હતું, જે હવે શહીદ જવાનોના પરિવાર સુધી પહોંચાડવાની અરેન્જમેન્ટ કરવામાં આવશે. કાઠિયાવાડી મિત્રમંડળના યોગેશ વીરાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરદ પૂનમને અમારે યાદગાર બનાવવી હતી, જેના માટે અમે વિચારણા કરતા હતા અને આ વિચાર આવતાં અમે અમલ કર્યો. અમારી ધારણા હતી કે એકાદ કરોડ રૂપિયા એકત્રિત થશે, પણ લોકડાયરાના કલાકારોએ દેશભક્તિનો એવો તે રંગ લગાડ્યો કે અમારી ઇચ્છાથી લગભગ ચાર ગણું જેટલું વધારે ફન્ડ એકત્રિત થયું. હવે અમે દર ચારથી છ મહિને આ પ્રકારના પ્રોગ્રામ કરીને દેશના જવાનો માટે ફન્ડ એકઠું કરવાની કોશિશ કરીશું.’

મર્યાદિત લોકોની હાજરીમાં થયેલા આ લોકડાયરામાં ગુણવંત ચુડાસમા, ઉર્વશી રાદડિયા, ઘનશ્યામ લાખાણી, જયવંત દવે જેવા કલાકારોએ લોકગીતથી માંડીને રાષ્ટ્રભાવના પ્રબળ કરે એવાં ગીતો રજૂ કર્યા હતાં. ઝવેરચંદ મેઘાણીરચિત ‘મન મોર બની થનગાટ કરે...’ ગીત એકલા પર એકવીસ લાખથી વધુ રકમની ઉછામણી થઈ હતી.