ગુજરાતની ગ્રામપંચાયતોમાં ૨૫૪ મહિલા સરપંચો સમરસ બની ગઈ

23 December, 2011 06:42 AM IST  | 

ગુજરાતની ગ્રામપંચાયતોમાં ૨૫૪ મહિલા સરપંચો સમરસ બની ગઈ


અમદાવાદ: ગુજરાતમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગુજરાતનાં ૨૫૪ ગામોમાં મહિલા સરપંચો સમરસ બની છે એટલું જ નહીં, ગુજરાત સરકારની સમરસ યોજના અંતર્ગત સમરસ થયેલી ૨૧૪૭ સમરસ ગ્રામપંચાયતોને અંદાજે ૫૬ કરોડ રૂપિયાથી પણ વધુ પ્રોત્સાહક અનુદાન ગુજરાત સરકાર આપશે. સમરસ ગ્રામપંચાયત એટલે ગામમાં ચૂંટણી યોજ્યા વગર સર્વસંમતિથી ગ્રામપંચાયતના સભ્યો નક્કી કરવા.

ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જયનારાયણ વ્યાસે પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગુજરાતની ગ્રામપંચાયતોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કુલ ૨૧૪૭ પંચાયતો સમરસ જાહેર થઈ છે, જેમાં ૨૫૪ મહિલા સરપંચો સમરસ બની છે એટલે કે ૨૫૪ ગામમાં ચૂંટણી યોજ્યા વગર મહિલા ઉમેદવારને સરપંચ તરીકે ચૂંટવામાં આવી છે. ગઈ ચૂંટણીમાં માત્ર ૨૦ જેટલી મહિલા ગ્રામપંચાયતો સમરસ બની હતી. આ ઉપરાંત ગુજરાતનાં ગામડાંઓમાં ૭૯,૪૦૮ વૉર્ડોમાં ચૂંટણી યોજાવાની છે. એમાંના ૨૮,૦૫૧ વૉર્ડ પણ સમરસ બન્યા છે જે ગુજરાત સરકારના સમરસ ગામના ઉમદા ખ્યાલ ને વ્યાપક પ્રતિસાદ અને સર્વસંમતિથી વિકાસના મંત્રને સર્મથનના દ્યોતક છે.’

ગુજરાતના ૨૬ જિલ્લાના ૨૨૩ તાલુકાઓની ૧૦,૩૯૪ ગ્રામપંચાયતની ડિસેમ્બરમાં મુદત પૂરી થતાં ગુજરાતના ચૂંટણીપંચે આ ગ્રામપંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી હતી. ૨૯ ડિસેમ્બરે મતદાન અને ૩૧ ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.