30 June, 2024 10:22 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં ચોમાસું ધીરે-ધીરે આગળ વધ્યું છે અને ગઈ કાલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાતાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૬૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જામનગરના ધ્રોલમાં બપોરે ૨થી ૬ વાગ્યા દરમ્યાનના બે કલાકમાં ૬૧ મિમી એટલે કે સવાબે ઇંચથી વધુ ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે માંડ સવા ઇંચ વરસાદમાં રાજકોટ પાણી-પાણી થઈ ગયું હતું.
ગઈ કાલે ગુજરાતના ૫૭ તાલુકાઓમાં અડધા ઇંચથી સવાબે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પડેલા વરસાદના પગલે શહેરનું પોપટપરા ગરનાળું, રિંગ રોડ, નાના મવા સહિતના વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાયાં હતાં. ઠેર-ઠેર પાણી ભરાતાં વાહનચાલકો પરેશાનીમાં મુકાયા હતા. થોડા વરસાદમાં જ ગરનાળું ભરાઈ જતાં રાજકોટવાસીઓએ તંત્રની સામે બળાપો ઠાલવ્યો હતો. બીજી તરફ વિસાવદર અને ટંકારામાં દોઢ ઇંચ, આણંદ અને કોટડા સાંઘાણીમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત ગોંડલ, માળિયા હાટીના, વાંકાનેર, ચોટીલા, બોટાદ, લોધિકા, નડિયાદ, પેટલાદ, કપરાડા અને ઉમરગામમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સમી સાંજે ભારે વરસાદનું ઝાપટું પડતાં આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.