મહાશિવરાત્રિએ અમિત શાહના હસ્તે સૂરસાગર તળાવનું લોકાર્પણ કરાશે

12 February, 2020 12:46 PM IST  |  Vadodara

મહાશિવરાત્રિએ અમિત શાહના હસ્તે સૂરસાગર તળાવનું લોકાર્પણ કરાશે

અમિત શાહ

વડોદરા પાલિકા દ્વારા ૩૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલા સૂરસાગર તળાવનું લોકાર્પણ દેશના ગૃહપ્રધાન અમિત શાહ કરવાના છે. ૨૧ ફેબ્રુઆરી, મહાશિવરાત્રિએ સુરસાગર તળાવ પર ગૃહપ્રધાન અમિત શાહ મહાઆરતી ઉતારશે, જેના પગલે સૂરસાગર તળાવ પર કામગીરીનું નિરીક્ષણ કરવા રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ, મેયર જિગીષા શેઠ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અધિકારીઓ અને હોદ્દેદારો સાથે પહોંચ્યા. મહાશિવરાત્રિના દિવસે વડોદરામાં શિવજીની ભવ્ય સવારી નીકળે છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાય છે.

શિવ કમિટીના સભ્યો યોગેશ પટેલ અને સંસદસભ્ય રંજન ભટ્ટ દ્વારા ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હીમાં જઈ મહાઆરતીમાં પધારવા આમંત્રણ આપ્યું હતું, જે આમંત્રણને ગૃહપ્રધાને સ્વીકાર્યું છે. શાહ વડોદરાના મહેમાન બનવાના છે. જોકે મહત્વની વાત છે કે સૂરસાગર તળાવમાં મહાદેવની સૌથી મોટી પ્રતિમા આવેલી છે. સૂરસાગર તળાવમાં પાલિકાએ ચાલવા-ફરવા માટેની જગ્યા બનાવી છે. લોકો પિકનિક માટે આવે એવો સ્પૉટ પણ તૈયાર કર્યો છે. તળાવની ફરતે ફુવારા અને રંગબેરંગી લાઇટો પણ લગાડ્યાં છે.

પાલિકાએ ૧૮ ફેબ્રુઆરી સુધી સૂરસાગર તળાવનું કામ પૂર્ણ કરવા માટે કૉન્ટ્રૅક્ટરને આદેશ કર્યો છે ત્યારે કામગીરી ક્યાં સુધી પહોંચી એનું નિરીક્ષણ કરવા અધિકારીઓ અને હોદ્દેદારો પહોંચ્યા હતા. યોગેશ પટેલે કહ્યું કે ગૃહપ્રધાન અમિત શાહ મહાઆરતી કરશે સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે.

vadodara gujarat