પાંઉમાંથી ઉંદરનું મરેલું બચ્ચું નીકળતાં હોબાળો મચ્યો

13 December, 2019 10:29 AM IST  |  Vadodara

પાંઉમાંથી ઉંદરનું મરેલું બચ્ચું નીકળતાં હોબાળો મચ્યો

હાલના સમયમાં લોકો મોટા ભાગે બહારનું ખાવાનું પસંદ કરે છે. પરંતુ તાજેતરમાં કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે જે ચોંકાવનારા છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રાજ્યની કેટલીક જાણીતી અને પ્રખ્યાત ખાણીપીણીની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે લોકોના આરોગ્યને લઈ કાળજીનો અભાવ જોવા મળ્યો. હવે એવી જ એક ઘટના મોરબીમાં બની છે જ્યાં એક બેકરીમાં મળતા પાંઉમાં મરેલો ઉંદર નીકળ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતા દીપકભાઈ હડિયલને કડવો અનુભવ થયો છે. તેમણે નજીકમાં આવેલી એક દુકાનમાંથી પાંઉનું પૅકેટ ખરીદ્યું હતું. પરંતુ ઘરે જતાં પૅકેટ ખોલતાં એક પાંઉમાંથી ઉંદરનું મરેલું બચ્ચું નીકળ્યું હતું. તેથી તેઓ ફરી એ જ દુકાને ગયા અને ફરિયાદ કરી તો દુકાનમાલિકે બ્રેડ-પાંઉ સહિતની પ્રોડક્ટ બનાવતી ક્રિષ્ના બેકરી અંગે જણાવ્યું. પછી દીપકભાઈએ ત્યાં પણ ફરિયાદ કરી. જોકે બેકરી માલિકે અન્ય કારણો આપી બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને હાથ ઊંચા કર્યા.

આ પણ વાંચો : અમદાવાદમાં હવા પ્રદૂષણ વધ્યું, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 254 થયો

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાંથી બહારના ખાદ્ય પદાર્થોમાં જીવાત નીકળી આવ્યાની ઘટનાઓ સતત સામે આવતી રહી છે અને ફરિયાદ થતાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ તેમ છતાં હાલ પણ આવા બનાવ બની રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યાં છે.

vadodara gujarat