ઉકાઈમાં હોડી પલટી જતાં દુર્ઘટના સર્જાઇઃ પાંચનાં મોત, ૬નો બચાવ

12 March, 2020 02:47 PM IST  |  Gujarat

ઉકાઈમાં હોડી પલટી જતાં દુર્ઘટના સર્જાઇઃ પાંચનાં મોત, ૬નો બચાવ

પ્રતિકાત્મક તસવીર

તાપી જિલ્લાના ઉચ્છલમાં ઉકાઈ જળાશયના ફુગારામાં હોડી પલટી મારી ગઈ હતી. હોડીમાં ૧૫ જેટલા લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ મદદ કરી હતી અને ૬ જેટલાનો બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ અન્યોની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલી રહી છે જેમાં વધુ ચારના મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટના પહેલાં હોડીમાં બેસતા લોકોનો વિડિયો સામે આવ્યો છે. મરનાર બાળકીની ઓળખ એન્જલ ડેવિડ કોંકણી (ઉંમર વર્ષ ૫) તરીકે થઈ છે. બાળકી ઉચ્છલના સુંદરપુર ગામની રહેવાસી છે.

વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર કાર ૧૫ ફીટ નીચે નાળામાં ખાબકીઃ પતિ-પત્નીનાં મોત

વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર કાર ૧૫ ફીટ નીચે નાળામાં પડતાં પતિ અને પત્નીનાં મોત નીપજ્યાં છે. આ લોકોની કાર વણી અને કાંકરવાડી ગામ પાસેના નાળામાં ખાબકી હતી. હાલ પોલીસ આ મરનારા વિશે તપાસ કરી રહી છે. તેમણે આ ઘટના કઈ રીતે બની એ વિશે કાર્યવાહી કરીને તપાસ શરૂ કરી છે.

બે બાઇક વચ્ચે અકસ્માતઃ ત્રણનાં મોત, બે ગંભીર

દહેજ નજીક કાસવા ગામ પાસે ગઈ કાલે ધુળેટીના દિવસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. આ સાથે અન્ય બેને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત જોતાંની સાથે સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ભેગાં થયાં હતાં જેમણે ૧૦૮ ઍમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. એ બાદ સ્થાનિક પોલીસ અને ૧૦૮ના કાફલાએ થોડી જ મિનિટોમાં ત્યાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.