ગુજરાત પર ફરી માવઠાનું સંકટ

14 March, 2023 10:54 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

માર્કેટ યાર્ડ થયાં સતર્ક : ખેડૂતોને જણસ નહીં લાવવા કરી અપીલ : તળાજા અને જેસર પંથક ઉપરાંત સુરતના ઓલપાડ વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમદાવાદઃ ગુજરાત પર ફરી એક વાર માવઠાનું સંકટ તોળાયું છે. આજથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ઉનાળાની સીઝનમાં ચોમાસાનો માહોલ ઊભો થવાનો વર્તારો છે. આ ચાર દિવસ દરમ્યાન ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર–કચ્છ સહિત વીસેક જિલ્લામાં પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે એટલું જ નહીં, ગઈ કાલે તળાજા અને જેસર પંથક ઉપરાંત સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

ચાર દિવસ દરમ્યાન દક્ષિણ અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું થવાની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને ગુજરાતનાં માર્કેટ યાર્ડ સતર્ક થઈ ગયાં છે એટલું જ નહીં, ખેડૂતોને જણસ નહીં લાવવા અપીલ કરી છે. ઉપલેટા, ગોંડલ, જૂનાગઢ માર્કેટ યાર્ડ વરસાદની સંભાવનાના પગલે હરાજી બંધ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ૧૪, ૧૫, ૧૬ અને ૧૭ માર્ચ દરમ્યાન કમોસમી વરસાદ પડશે; જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

gujarat news Weather Update Gujarat Rains ahmedabad