બુધવારે નરેન્દ્ર મોદી રાજકોટમાં : જાહેર સભા દરમિયાન લેશે માત્ર ગરમ પાણી

07 April, 2019 08:43 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

બુધવારે નરેન્દ્ર મોદી રાજકોટમાં : જાહેર સભા દરમિયાન લેશે માત્ર ગરમ પાણી

નરેન્દ્ર મોદી

ઇલેકેશનનાં પડઘમ વાગવા શરૂ થઈ ગયાં છે ત્યારે બુધવારે નરેન્દ્ર મોદી જૂનાગઢમાં જાહેર સભા સંબોધવા માટે જતાં પહેલાં રાજકોટ એક કલાકનું રોકાણ કરશે. આ એક કલાકના રોકાણ દરમ્યાન પહેલી વખત એવું બનશે કે સિક્યૉરિટીના ભાગરૂપે માત્ર પોલીસ કમિશનર એક જ ઍરપોર્ટ પર હાજર રહેશે. આચારસંહિતા હોવાથી અન્ય કોઈ અધિકારી હાજર રહેશે નહીં.

નરેન્દ્ર મોદીની આ સાઠ મિનિટની રાજકોટની મુલાકાત દરમ્યાન તેમના માટે ઍરપોર્ટ પર નાસ્તાની શું ઍરેન્જમેન્ટ કરવી એના પર ચર્ચાવિચારણાઓ શરૂ થઈ ગઈ હતી અને હરખપદૂડા BJPના નેતાઓએ ૪૨ વરાઇટીનું લિસ્ટ પણ બનાવી લીધું હતું, પણ એ લિસ્ટ જેવું દિલ્હી મોકલવામાં આવ્યું કે બીજી જ ક્ષણે નેતાઓના ઉત્સાહમાં પંક્ચર પડી ગયું હતું. તેમને યાદ કરાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીની ચૈત્રી નવરાત્રિ ચાલે છે એટલે એ માત્ર ગરમ પાણી લેશે.

રાજકોટથી નરેન્દ્ર મોદી હેલિકૉપ્ટરમાં જૂનાગઢ જશે અને ત્યાંની જાહેર સભા પૂરી કરીને તે ફરીથી રાજકોટ આવીને પોતાના પ્રોગ્રામ મુજબ આગળ વધશે.

આ પણ વાંચો : અમરેલીના લોકસભા ઉમેદવારોને નડ્યો આકરો તડકો, લેવી પડી સારવાર

એક કલાકનો હેતુ શું?

રાજકોટમાં થનારા આ એક કલાકના રોકાણ દરમ્યાન નરેન્દ્ર મોદી રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર કે પછી એના પ્રતિનિધિ સાથે બેઠક કરશે અને એ બેઠક પર કેવી પરિસ્થિતિ છે એનો ચિતાર મેળવશે. રાજકોટ સિવાયના એક પણ લોકસભાની બેઠકના ઉમેદવારને સમય બગાડીને આવવાની પણ ના પાડી છે. કહેવામાં આવ્યું છે કે તેમનો એક પ્રતિનિધિ હાજર રહે એવું કરવામાં આવશે તો પણ ચાલશે. આ એક કલાકની મીટિંગમાં ચિત્ર જાણીને નરેન્દ્ર મોદી આ બેઠકો પર તેમની જાહેર સભાની જરૂર છે કે નહીં એ નક્કી કરશે.

Gujarat BJP rajkot bharatiya janata party narendra modi Lok Sabha Election 2019 gujarat