મુંબઈગરાએ લૉકડાઉન અને કમોસમી વરસાદને લીધે આ વર્ષે કેસર કેરી ભૂલી જવાની?

30 April, 2020 07:36 AM IST  |  Rajkot | Rashmin Shah

મુંબઈગરાએ લૉકડાઉન અને કમોસમી વરસાદને લીધે આ વર્ષે કેસર કેરી ભૂલી જવાની?

કેરી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગઈકાલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવા ઝાપટાંથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને લીધે ખેતરમાં તૈયાર થઈ ગયેલા ઘઉં અને કેસર કેરીના પાકને નુકસાન થયું. આ નુકસાનમાં પણ કેસરને સૌથી વધારે નુકસાન થયું છે. ગઈકાલે ગીર, જૂનાગઢ, અમરેલી અને સાવરકુંડલા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ પડતાં આંબા પર રહેલી પંદરથી સત્તર ટકા કેરી ખરી ગઈ તો દસથી બાર ટકા જેટલાં કેરીના મોર પણ ખરી ગયા.

તાલાલા માર્કેટિંગ યાર્ડના સભ્ય કરસનભાઈ ઉકાણીએ કહ્યું હતું, ‘આમ પણ કેસર દુકાન સુધી પહોંચતી નથી એવા સમયે તૈયાર થતી કેરી અને મોર ખરી પડતાં કેરીનો જથ્થો બેકાર ગયો છે, જેની નુકસાની કરોડોની છે.’

સામાન્ય રીતે એપ્રિલના એન્ડથી કેસરની મુંબઈમાં સપ્લાઇ શરૂ થઈ જતી હોય છે પણ આ વખતે લોકડાઉનના કારણે કેસર સૌરાષ્ટ્રમાં પણ હજુ પ્રોપર રીતે પહોંચી નથી શકી અને તૈયાર પાક ફેઇલ થઈ રહ્યો છે ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રમાં કેસર પહોંચે એવી શક્યતા દિવસે-દિવસે નહીંવત્ થતી જાય છે. કોઈ વેપારી કેસર લેવા માટે કે પછી મુંબઈ ડિલિવરી મોકલવા માટે તૈયાર નથી થઈ રહ્યો. જૂનાગઢ હિતરક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડાએ કહ્યું હતું, ‘અગાઉ પણ બેથી ત્રણ માવઠાં આવી ગયા છે એટલે એ નુક્સાનીને લીધે પણ કેસર સ્થાનિક બજાર સુધી પહોંચી નથી.’

કેસરનો વેપાર રોકડથી થતો હોય છે પણ લૉકડાઉનમાં કોઈ કેશ ડીલ કરવા રાજી નથી તો સામા પક્ષે ખેડૂતો ક્રેડિટ પર વેપાર કરવા રાજી નથી, જેને લીધે કહી શકાય કે આ વખતે મુંબઈમાં કેસર જોવા મળે એવી શક્યતા બિલકુલ નહીંવત્ છે. કેસર મેના એન્ડમાં આવવાની બંધ થઈ જાય છે અને ધારો કે લૉકડાઉન ૩જી મેના રોજ ખૂલ્લી પણ ગયું તો પણ કેસરની સ્થાનિક માર્કેટની ડિમાન્ડ જ એવડી હશે કે માલ મુંબઈ સુધી પહોંચશે નહીં અને ધારો કે લોકડાઉન ન ખૂલ્યું તો તો સ્વભાવિક રીતે કેસર મુંબઈ પહોંચશે નહીં.

આમ પણ કેસર દુકાન સુધી પહોંચતી નથી એવા સમયે તૈયાર થતી કેરી અને મોર ખરી પડતાં કેરીનો જથ્થો બેકાર ગયો છે, જેની નુકસાની કરોડોની છે.

- કરસનભાઈ ઉકાણી, તાલાલા માર્કેટિંગ યાર્ડના સભ્ય

rajkot gujarat Rashmin Shah