રાજકોટઃ જસદણમાંથી ઝડપાયું નકલી ખાતર ભરવાનું કૌભાંડ

22 May, 2019 01:02 PM IST  | 

રાજકોટઃ જસદણમાંથી ઝડપાયું નકલી ખાતર ભરવાનું કૌભાંડ

જસદણમાંથી ઝડપાયું નકલી ખાતર ભરવાનું કૌભાંડ

જસદણ તાલુકાના સોમપીપળીયા ગામની સીમમાં સરકારી ડેપોમાં વેચાતા ખાતરની થેલીઓમાં હલકી ગુણવત્તાનું ખાતર ભરી ઓછી ગુણવત્તાનો માલ વધુ પૈસા લઈને વેચવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા આખાયે કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં 843 થેલી ડુપ્લિકેટ ખાતર સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આવી રીતે કરતા હતા ગોલમાલ
આરોપીઓ સરદાર DAP અને APS ખાતરની થેલીમાં નિર્મલ પાવર ખાતર ભરતા હતા અને તેને ઉંચા ભાવમાં વેચતા હતા. ખેડૂતો અને ગ્રાહકોએ અનેક વાર છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે પાડેલા દરોડામાં આ ઘટના સામે આવી છે.

330નું ખાતર વેચતા હતા 1205માં
કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઈલ્યાસ ખીમાણી છેલ્લા દોઢ વર્ષથી આ મિલાવટનો ધંધો કરી રહ્યો હતો. છેલ્લા 15 દિવસથી તેની પાસે જગ્યા ન હોવાથી તે વાડીમાં આ કૌભાંડ કરી રહ્યો હતો. આ બંને શખ્સો ડીસાથી 330 રૂપિયાની કિંમતનું નિર્મલ પાવર ખાતર મંગાવતા હતા અને 1250 રૂપિયાના ભાવે ગ્રાહકો અને ખેડૂતોને વેચતા હતા. જેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કચ્છઃ જખૌ બંદરે પકડાયું લગભગ 500 કરોડની કિંમતનું ડ્રગ્સ

પકડાયેલા આરોપીઓ

પોલીસે ઈલ્યાસ હુસેનભાઈ ખીમાણી જેઓ આંબરડીના રહેવાસી છે, સાથે ઈન્દુભાઈ ભાયાભાઈ સરૈયા જેઓ સોમપીપળીયાના છે, તેની ધરપકડ કરી છે. આ બંને કૌભાંડના મુખ્ય આરોપીઓ છે. સાથે જ તેમની આ કામમાં મદદ કરતા સુદામડા ગામના
અરજણભાઈ સોમાભાઈ કાળોતરા, કિરણ ભરતભાઈ ગાબુ, કલ્પેશ ભરતભાઈ ગાબુ, જયેશ વનરાજભાઈ ગાબુ, વાઘા આપાભાઈ ત્રામટા, રાજુ જીલુભાઈ જળુંની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

rajkot gujarat