રાજકોટઃ જુલાઈ સુધીમાં પાકવીમો મળવાની બાંહેધરી મળતા ખેડૂતોએ કર્યા પારણા

09 June, 2019 03:43 PM IST  |  રાજકોટ

રાજકોટઃ જુલાઈ સુધીમાં પાકવીમો મળવાની બાંહેધરી મળતા ખેડૂતોએ કર્યા પારણા

રાજકોટમાં ખેડૂતોના ઉપવાસનો આવ્યો અંત(તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા)

પાક વીમાના પ્રશ્ને રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની બહાર ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલનનો ચોથા દિવસે અંત આવ્યો છે. પાક વીમો, ભાવાંતર યોજના, ડેમ તળાવો રિપેર કરવા સહિતના મુદ્દે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ વિરોધ દર્શાવવા માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. કિસાન સંઘે બહુમાળી ચોકથી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના આ વિરોધને સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિયેશન દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો હતો.

આવી રીતે આવ્યો અંત
ખેડૂતો પોતાની સમસ્યાઓના મુદ્દે આકરા પાણીએ હતા. NCPના નેતા રેશમા પટેલ પણ આંદોલનમાં જોડાયા હતા. તેમણે સરકાર અને વીમા કંપની પણ આક્ષેપો કર્યા હતા. ખેડૂતોએ શર્ટ કાઢી સરકાર અને વીમા કંપનીને સદબુદ્ધિ મળે તે માટે હવન કર્યો હતો. અંતે જિલ્લા ભાજપના પ્રમુખ અને બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને યાર્ડના હોદ્દેદારો મધ્યસ્થી બનવા માટે પહોંચ્યા હતા. તેમણે ખેડૂત અને સરકાર વચ્ચે સમાધાન કરાવ્યું. તેમણે ભાવાંતર યોજના વહેલી તકે લાગુ કરાવવા અને કપાસનો પાકવીમો ચૂકવવાની લેખિતમાં બાંહેધરી આપતા આંદોલનનો અંત આવ્યો.

(તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા)


આ હતી ખેડૂતોનું માંગ
ખેડૂતોની માગ હતી કે અછત અને અર્ધ અછતની સ્થિતિ હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની રહી છે. આવી સ્થિતિમાં જો ખેડૂતોને પાકવીમો ન મળેતો ખેડૂતોએ તેમના પરિવાર, ગાય, ભેસનો નિભાવ કેમ કરવો અને નવા વર્ષના બિયારણ, ખાતર તેમજ ખેતી ખર્ચના નાણાના અભાવે ખરીફ પાકનું વાવેતર કરી શકે તેમ નથી. ખેડૂતોની માગણી છે કે પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતો લીધેલી લોન પણ ભરી શકે તેમ નથી, ખેડૂતો લોન ભરવામાં ડીફોલ્ટર થયા છે. જેથી તેઓનું નવું પાક ધીરાણ મળી શકે તેમ નથી.

આ પણ વાંચોઃ રાજકોટમાં પાક વીમા માટે રસ્તા પર ઉતર્યા ખેડૂતો

ખેડૂતોની માગ છે કે પાક વીમા માટે વારંવાર ખેડૂતો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંકુ સરકાર દ્વારા આ મામલે હજી સુધી કોઈ જ પગલાં લેવાયા નથી. ખેડૂતોનો દાવો છે કે રાજકોટ જિલ્લાના ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે.

rajkot gujarat