ઑક્ટોબરમાં પણ મેઘરાજાએ ખમૈયા ન કરતાં દ​. ગુજરાતમાં લીલા દુકાળની સ્થિતિ

07 October, 2019 07:32 AM IST  |  નવસારી | રોનક જાની 

ઑક્ટોબરમાં પણ મેઘરાજાએ ખમૈયા ન કરતાં દ​. ગુજરાતમાં લીલા દુકાળની સ્થિતિ

ડાંગરના પાકને જોખમ

જૂન મહિનાથી મહેરબાન થયેલા મેઘરાજા ઑક્ટોબરમાં પણ ખમૈયા કરવાનું નામ નથી લેતા જેને કારણે ગુજરાતના ખેડૂતોએ અતિવૃષ્ટિનો માર સહન કરવો પડ્યો છે. વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો અહીં શેરડી અને ડાંગરમાં એ મુખ્ય પાક છે જેનો પાક મેળવતા ખેડૂતોએ આ વર્ષે મોટી નુકસાની વેઠવી પડશે. શરૂઆતમાં વરસેલા સારા વરસાદને પગલે ખેડૂતોએ ઉત્સાહ સાથે ડાંગર રોપી હતી અને વધુ ઉત્પાદન સાથે સારી આવકની પણ આશા સેવી હતી.

જોકે મેઘમહેર અવિરત રહી અને એમાં પણ ઑક્ટોબરમાં પણ વરસાદ ચાલુ રહેતાં ડાંગરના ઊભા પાકમાં બ્લાસ્ટ નામની ફૂગ લાગી ગઈ છે. દાણાઓમાં ફૂગ લાગતાં એની ગુણવત્તા પર અસર થવાની સંભાવના સેવાઈ રહી છે. એને કારણે ખેડૂતોએ માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે. શેરડી પકવતા ખેડૂતોને પણ રોપણી બાદના સતત વરસાદને કારણે જમીનમાં જ રોપાને સડો લાગતાં નુકસાન થયું છે. ફરી રોપણી માટે શુગરમિલો દ્વારા આપવામાં આવતી સમયમર્યાદા નડી રહી છે. જેથી નુકસાનને લઈને હવે  સરકાર કોઈ વળતર જાહેર કરે એવી આશા ખેડૂતો રાખી બેઠા છે.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

પૌંઆ મિલમાલિક ભૂરાલાલ શાહના કહેવાપ્રમાણે નવસારીમાં ૭૦થી વધુ પૌંઆની મિલો છે જે સમગ્ર દેશમાં પૌંઆ પૂરા પાડે છે. પૌંઆ માટે ખાસ પ્રકારના ડાંગર નવસારીની આસપાસના ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જોકે આ વર્ષે આ ખાસ પ્રકારના ડાંગરને નુકસાન થતાં પૌંઆ ઉદ્યોગને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

navsari Gujarat Rains